હવે કોરોનાના જીનોમ સીકવેંસિંગ પર નજર

નવી દિલ્હી, તા.22 : કોરોનાની ત્રીજી લહેરનો ખતરો હજુ દૂર થયો નથી. દેશની બહોળી વસતી પર હજુ વાયરસ સંક્રમણનો ખતરો છે તેવા સમયે વૈજ્ઞાનિકો દ્વારા જીનોમ સીકવેંસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાયુ છે જેથી વાયરસના આકાર-વ્યવહાર અને પ્રકારનો અંદાજ લગાવી શકાય.
સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોએ જણાવ્યુ કે દેશની બે તૃતિયાંશ વસતીમાં એન્ટિબોડી મળી છે પરંતુ એક તૃતિયાંશ પર હજુય ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી લહેર માટે કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ જવાબદાર હતો. હવે ત્રીજી લહેર અંગે વાયરસના મ્યૂટેશન અને તેનાથી બનનારા નવા વેરિયન્ટ પર નજર છે. એટલે વધુ ભાર જીનોમ સીકવેંસિંગ પર છે. હવે ર8 લેબ બાદ ખાનગી ક્ષેત્રની લેબોને પણ તે માટે જોડવાની યોજના છે. અત્યાર સુધી 41 હજાર જીનોમ સીકવેંસિંગમાં 17 હજાર કેરળથી, 10 હજાર મહારાષ્ટ્રના છે. જ્યારે દેશમાં કેસ ઘટી રહ્યા હોય છે ત્યારે એક સમાન રીતે અલગ અલગ જિલ્લામાંથી પોઝિટિવ સેમ્પલ લેવાનો પડકાર હોય છે.
ઈન્ડિયન પબ્લિક હેલ્થ એસોસીએશનના ડૉ.સંજય રાય કહે છે કે આ પ્રકારના આરએનએ વાયરસમાં હંમેશા મ્યુટેશન થાય છે. કયુ મ્યુટેશન ક્યારે આવ્યુ, કેટલી ઝડપથી વધી રહ્યુ છે તેનો અંદાજ લગાવી શકાય છે જ્યારે જીનોમ સીકવેંસિંગ કરાય છે. શરીરમાં 6થી 10 મહિના સુધી એન્ટિબોડી રહે છે. તેની ક્ષમતામાં ઘટાડો ત્રીજી લહેરને આમંત્રણ આપશે.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer