મીડિયા યુગમાં કોરોનાનો મૃત્યુઆંક છુપાવવો શક્ય નથી કેન્દ્ર

નવી દિલ્હી, તા. 22 : દેશમાં કોરોનાથી થનારા મૃત્યુના આંકડા ખોટા હોવાના અહેવાલો અંગે સરકારે સ્પષ્ટતા કરી છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે રિપોર્ટિંગની મજબૂત પ્રણાલીને ધ્યાને રાખીને કોરોનાના મૃત્યુઆંકમાં ભૂલ શક્ય નથી. સરકાર તરફથી મીડિયા રિપોર્ટનું ખંડન કરવામાં આવ્યું હતું જેમાં કથિત રીતે કોરોનાનો મૃત્યુઆંક ઓછો બતાવવામાં આવ્યો છે તેમ કહેવામાં આવ્યું હતું.
સરકારે કહ્યું હતું કે, મીડિયા રિપોર્ટ માને છે કે દરેક મૃત્યુદર કોરોનાથી મૃત્યુ છે જે તથ્ય ઉપર આધારીત નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં મજબૂત અને કાયદા આધારિત પ્રણાલીને ધ્યાને લઈને મૃત્યુની સંખ્યા ગાયબ કરવી સંભવ નથી. અમુક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના મહામારી દરમિયાન ભારતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા લાખોમાં છે પણ સત્તાવાર કોરોના મૃત્યુને ઓછી બતાવવામાં આવી છે. 
મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું હતું કે, મૃત્યુઆંકનો વધારો એક દુસ્સાહસિક ધારણાને આધારે બતાવવામાં આવ્યો છે. સંક્રમિત વ્યક્તિના મૃત્યુની સંભાવના પુરા દેશમાં સમાન છે.
આ અગાઉ વિપક્ષી નેતાઓ તરફથી કેન્દ્ર સરકાર ઉપર કોરોનાથી મૃત્યુના ખોટા આંકડા બતાવવા અંગે વિપક્ષે કરેલા પ્રહારો ઉપર કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીને નિશાન સાધ્યું હતું. પુરીએ કહ્યું હતું કે કોઈપણ જાણકારી વિના ટિપ્પણી કરવી યોગ્ય નથી પણ જ્યારે જાણીજોઈને એક વાર્તા ઘડીને કોશિશ કરવામાં આવે તો તે ગંભીર મામલો બને છે. કોઈપણ ભારતીય નાગરીકોનું મૃત્યુ ખેદનો વિષય છે પછી કોરોનાથી મૃત્યુ હોય કે કોઈ અન્ય કારણથી. 
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer