ભેખડો પડતાં સીએસએમટી-કસારા વચ્ચે ટ્રેનવ્યવહાર 17 કલાક ઠપ

ભેખડો પડતાં સીએસએમટી-કસારા વચ્ચે ટ્રેનવ્યવહાર 17 કલાક ઠપ
કોંકણ રેલવે ખોરવાતાં 6000 પ્રવાસીઓ રઝળી પડયા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મુશળધાર વરસાદને કારણે પાટા ધોવાઈ જવા અને ભેખડો પડવાને લીધે મધ્ય રેલવેના મુંબઈના સીએસએમટી અને કસારા સ્ટેશનો વચ્ચેનો રેલવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો, પરંતુ 17 કલાક બાદ આજે તે ફરી શરૂ થયો હતો. મુંબઈની લોકલ ટ્રેનો બુધવારે રાતથી સીએસએમટીથી અંબરનાથ અને ટિટવાલા સુધી જ દોડાવી શકાતી હતી. કોંકણ અને ખાસ કરીને રત્નાગિરિ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં આવેલા પૂરને કારણે કોંકણ રેલવેની અનેક ટ્રેનો રદ કરવી પડી છે. તેથી 6000 જેટલા પ્રવાસીઓ રઝળી પડયા હતા.
ટિટવાલા અને ઈગતપુરી સેકશનમાં ભારે વરસાદને કારણે ઉમ્બરમાલી સ્ટેશન પાસે પુષ્કળ પાણી ભરાયાં હતાં, તેથી ગઈ કાલે રાત્રે 10.15 વાગ્યાથી રેલવ્યવહાર બંધ કરવો પડયો હતો. બાદમાં વાગણી સ્ટેશન પાસે પાણી ભરાતાં બુધવારે મધરાતે 12.20 વાગ્યે અંબરનાથ અને લોનાવલા સેકશનમાં રેલવ્યવહાર સસ્પેન્ડ કરવો પડયો હતો.
કસારા અને ઈગતપુરી વચ્ચેના પર્વતીય 14 કિ.મી. લાંબા હિસ્સામાં પાંચથી છ સ્થળે ભેખડો ઘસી પડી હતી. તેના કારણે પણ રેલવ્યવહાર ખોરવાયો હતો. મુંબઈથી ઉત્તર અને પૂર્વ ભારત તરફ જતી ટ્રેનો કસારા ઘાટમાંથી પસાર થાય છે. 
આ સ્થળે ભેખડો હટાવવા એક પ્રોકલેઈન એકસવેટર, બે જેસીબી, 12 બાઉલ્ડર વેગન અને 210 કામદારોની મદદ લેવામાં આવી હતી. કસારા ઘાટમાં અટવાઈ પડેલી ત્રણ ટ્રેનોના પ્રવાસીઓના સ્થળાંતર માટે મધ્ય રેલવેએ 73 બસોની મદદ લીધી હતી.
 કસારામાં ગઈ કાલે રાત્રે નવ વાગ્યાથી ચાર કલાકમાં 138 મિ.મી. વરસાદ પડયો હતો.
કોંકણ અને ખાસ કરીને રાયગઢ અને રત્નાગિરિ જિલ્લામાં નદીઓમાં આવેલા પૂરને કારણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે લોકોને સલામત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો છે.
મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, તેથી વહીવટી તંત્રએ સતર્કતા રાખવી જોઈએ.
ચિપલૂણ અને કેટલાંક નગરો જળબંબાકાર
મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાના ચિપલૂણ, ખેડ અને અન્ય કેટલાંક નગરો અનરાધાર વરસાદને કારણે જળબંબાકાર થઈ ગયાં છે. તેના કારણે સરકારી યંત્રણાને રાહત અને બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી સહન કરવી પડી રહી છે. રત્નાગિરિ જિલ્લામાં પરશુરામ ઘાટમાં શિલાપ્રપાતને કારણે બે જણનાં મરણ નીપજ્યાં હતાં.
વડા પ્રધાને ઠાકરેને ફોન કરીને મદદની ખાતરી આપી
કોંકણ અને તેમાંથી ખાસ કરીને રત્નાગીરી અને રાયગઢ જિલ્લામાં પૂરની વિકટ પરિસ્થિતિને પગલે વડા પ્રધાન મોદીએ આજે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ફોન કરીને સ્થિતિની જાણકારી મેળવી હતી. મોદીએ કેન્દ્ર દ્વારા શક્ય બધી મદદની ખાતરી આપી હતી.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer