ગૃહમાં વિપક્ષોનું વર્તન અશોભનીય મીનાક્ષી લેખી

ગૃહમાં વિપક્ષોનું વર્તન અશોભનીય મીનાક્ષી લેખી
પેગાસસ પ્રકરણ ફૅક ન્યૂઝ
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 22 : ઇઝરાયલની કંપનીના પેગાસસ સ્પાયવૅરના માધ્યમથી જાસૂસીના પ્રકરણે રાજ્યસભામાં ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ નિવેદન આપી રહ્યા હતા ત્યારે તૃણમૂલ કૉંગ્રેસના સભ્યોએ આ સંબંધી કાગળો ફાડીને હવામાં ઉડાવ્યા હતા. રાજ્ય કક્ષાના વિદેશપ્રધાન મિનાક્ષી લેખીએ સભ્યોના આવા વર્તનને શરમજનક ગણાવીને કહ્યું હતું કે કથિત પેગાસસ જાસૂસીનું આખું પ્રકરણ જ ફૅક ન્યૂઝ છે. લેખીએ આ પ્રકરણમાં જેમની કથિત જાસૂસી થયાના આક્ષેપો થયા છે તેમનાં નામ સાથે કહ્યું હતું કે આ આખી યાદી જ બનાવટી છે અને વિપક્ષ આવા ઊભા કરાયેલા મામલે દેશને બદનામ કરવાના અને લોકોને ઉશ્કેરવાના પ્રયાસ કરી રહ્યો છે.
ગૃહમાં તૃણમૂલના સભ્યના વર્તનને વખોડતાં લેખીએ કહ્યું હતું કે લોકશાહી દેશમાં એક સભ્ય દ્વારા ગૃહમાં આવું અશોભનીય વર્તન અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. આ પહેલાં પણ વડા પ્રધાન જ્યારે લોકસભામાં નવા પ્રધાનમંડળના સભ્યોનો પરિચય આપી રહ્યા હતા ત્યારે પણ વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો એ શરમજનક હતો. 
ગૃહમાં વિપક્ષો ખાસ કરીને કૉંગ્રેસ અને તૃણમૂલના સભ્યોનું વર્તન હંમેશાં દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એટલું નીચા સ્તરનું હોય છે. આજે તો તૃણમૂલના સભ્યોએ હદ કરી નાખી, એક પ્રધાન જ્યારે ગૃહમાં નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેમના હાથમાંથી કાગળો છીનવીને ફાડી નાખ્યા અને હવામાં ઉડાવ્યા હતા.
પેગાસસ જાસૂસી પ્રકરણે લેખીએ જણાવ્યું હતું કે આવાં પ્રકરણો ઇરાદાપૂર્વક ઊભા કરવામાં આવે છે અને ખોટો હોબાળો મચાવવામાં આવે છે. તેના કોઇ જ પુરાવા હોતા નથી. ખાસ તો ભારત સરકાર નવા આઇટી કાયદાનો અમલ કરાવી રહી છે ત્યારે આવાં બનાવટી પ્રકરણો ઊભાં કરીને દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓને બદનામ કરવામાં આવી રહી છે. દેશની આબરૂ ખરડીને, લોકોને ઉશ્કેરવામાં આવે છે. પેગાસસ જાસૂસી પ્રકરણ ઊભું કરેલું છે અને તેના કોઇ જ પુરાવા સરકાર સમક્ષ લાવવામાં આવ્યા નથી. વિપક્ષો આવા ફૅક ન્યૂઝના મામલાઓ ઉઠાવીને સરકારને બદનામ કરવા માગે છે. પેગાસસની ઉત્પાદક કંપની એનએસઓએ પણ તેના ગ્રાહકોની યાદીમાં આવાં કોઇ નામો હોવાનો ઇનકાર કર્યો છે, એવો દાવો પણ લેખીએ કર્યો હતો.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer