એજન્સીઓનાં કામમાં સરકારનો હસ્તક્ષેપ નથી અનુરાગ ઠાકુર

એજન્સીઓનાં કામમાં સરકારનો હસ્તક્ષેપ નથી અનુરાગ ઠાકુર
મીડિયા હાઉસ પર આવકવેરા વિભાગના દરોડા
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 22 : કરચોરીના કેસમાં દૈનિક ભાસ્કર મીડિયા જૂથની દેશભરની અૉફિસો  અને ઉત્તર પ્રદેશની ભારત સમાચાર  ચૅનલની અૉફિસોમાં આજે સવારથી જ આવક વેરા વિભાગે દરોડા પાડયા હતા. હાલમાં સંસદનું ચોમાસું અધિવેશન ચાલી રહ્યું છે ત્યારે મીડિયા હાઉસ પરના આ દરોડાને વિપક્ષોએ સરકાર દ્વારા અખબારી અને પ્રચાર-પ્રસાર માધ્યમોનો અવાજ દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. બીજી તરફ સરકાર તરફથી માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે આક્ષેપોનો ઇનકાર કર્યો હતો.
પ્રધાનમંડળ તરફથી પત્રકારોને સંબોધતાં ઠાકુરે કહ્યું હતું કે સરકારી એજન્સીઓ પોતાની રીતે કામ કરે છે, એમાં સરકારનો હસ્તક્ષેપ નથી હોતો. કોઇ પણ ઘટનાના સમાચારો પહેલાં તેની સચ્ચાઇ જાણવી જરૂરી છે, એવું મારું માનવું છે. ક્યારેક પૂરતી માહિતીનો અભાવ ગેરમાર્ગે પણ દોરે છે.
આવકવેરાની ટીમે આજે સવારથી જ દૈનિક ભાસ્કરની દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત  અને રાજસ્થાન સ્થિત અૉફિસો તેમ જ આ જૂથના પ્રમોટરોનાં ઘર અને અૉફિસોમાં મળીને લગભગ ત્રીસેક સ્થળે દરોડા પાડયા હતા. આ ઉપરાંત ઉત્તર પ્રદેશની ન્યૂઝ ચૅનલ ભારત સમાચારની અૉફિસોમાં પણ કાર્યવાહી કરી હતી. આઇટીની ટીમ આ ચૅનલની લખનઊ સ્થિત અૉફિસ તેમ જ સંપાદકના ઘરે પણ પહોંચી હતી અને ટૅક્સ સંબંધી દસ્તાવેજો તપાસ્યા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આવકવેરાની ચોરીના પુરાવાના આધારે આ કાર્યવાહી હાથ ધરાઇ હતી.
જોકે, વિપક્ષોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર કોરોના કાળમાં  જનતાને જરૂરી મદદ માટે નિષ્ફળ રહી હતી એ સંબંધી અહેવાલોના પગલે મીડિયા હાઉસોને નિશાન બનાવાઇ રહ્યા છે. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ સમાચાર માધ્યમો સામેની આ કાર્યવાહીને સરકારનો લોકશાહી પરનો હુમલો ગણાવ્યો હતો. રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટની આ કાર્યવાહીને મીડિયાના અવાજને દબાવવાનો પ્રયાસ કહ્યો હતો. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ આ દરોડાની ટીકા કરી હતી.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer