આજે અૉલિમ્પિક ચૅમ્પિયન આર્જેન્ટિના સામે કાંટે કી ટક્કર

ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન પાકું કરવા ભારત માટે જીતવું જરૂરી
ટોક્યો, તા.28: પાછલા મેચમાં સ્પેન વિરૂધ્ધ શાનદાર વાપસી કરનાર ભારતીય પુરુષ હોકી ટીમ ગુરૂવારે વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન આર્જેન્ટિનાના મજબૂત પડકારની બાધા પાર પાડીને ટોક્યો ઓલિમ્પિકમાં કવાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરવા કોશિશ કરશે. આ મેચમાં તમામની નજર ડ્રેગ ફિલકર રૂપિન્દરપાલ સિંઘ પર રહેશે. તે હુકમનો એક્કો સાબિત થઇ શકે છે, કારણ કે તે શાનદાર ફોર્મમાં છે. વિશ્વમાં ચોથા નંબરની ટીમ ભારતે ત્રણમાંથી બે મેચમાં જીત નોંધાવી છે અને પૂલ-એમાં ઓસ્ટ્રેલિયા પછી બીજા સ્થાને છે. આર્જેન્ટિનાની વર્તમાન રેન્કિંગ સાત છે. ટોક્યો ઓલિમ્પિકમાં તેના ખાતામાં એક જીત, એક હાર અને એક ડ્રો છે. રિયોમાં ગોલ્ડ જીતનાર આ ટીમ પૂલ-એમાં હાલ ચોથા નંબર પર છે.
ભારતીય ટીમે પહેલા મેચમાં ન્યુઝીલેન્ડ સામે 3-2થી રોમાંચક જીત મેળવ્યા બાદ ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 1-7 ગોલની આંચકારૂપ હાર સહન કરી હતી. આ પછી સફળ વાપસી કરીને સ્પેન સામે 3-0થી જીત મેળવી છે. બીજી તરફ આર્જેન્ટિનાએ પહેલો મેચ સ્પેન સામે 1-1થી ડ્રો રમ્યો હતો. યજમાન જાપાન સામે 2-1થી જીત મેળવી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા સામે 2-5થી હાર મળી હતી. આથી આર્જેન્ટિના માટે ભારત વિરૂધ્ધનો મેચ કરો યા મરો સમાન છે.  જોકે સ્પેન સામેની જીતથી મનપ્રિતસિંઘના સુકાનીપદ હેઠળની ભારતની ટીમનું મનોબળ ઉંચું છે. ભારત અને આર્જેન્ટિના વચ્ચેનો મેચ ગુરૂવારે સવારે 6-00 વાગ્યાથી શરૂ થશે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer