અૉલિમ્પિકમાં ફરી દેશની દીકરીઓ ઝળકી

અૉલિમ્પિકમાં ફરી દેશની દીકરીઓ ઝળકી
પૂજા ચંદ્રકથી એક જીત દૂર: સિંધુ અને દીપિકા પ્રી. કવાર્ટર ફાઇનલમાં : 75 કિલો વર્ગમાં પૂજા રાની અલ્જીરિયાની બોક્સરને પછાડી કવાર્ટરમાં : સિંધુ વધુ એક જીત સાથે નોકઆઉટ રાઉન્ડમાં, હવે ડેનમાર્કની ખેલાડી સામે ટક્કર : ચંદ્રકની પ્રબળ દાવેદાર દીપિકા આખરે ફોર્મમાં: તીરંદાજીના અંતિમ-16 રાઉન્ડમાં
ટોક્યો, તા.28: ટોક્યો ઓલિમ્પિકનો પાંચમાં દિવસ બુધવાર ભારત માટે ફરી એકવાર નારીશક્તિના નામે રહ્યો હતો. દેશની દીકરીઓ મુક્કેબાજ પૂજા રાની, સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને તીરંદાજ દીપિકાકુમારીએ ઓલિમ્પિકમાં આગેકૂચ કરી છે. જો કે મહિલા હોકી ટીમને સતત ત્રીજી હાર સહન કરવી પડી છે. પૂજા રાની 75 કિલો વર્ગમાં કવાર્ટર ફાઇનલમાં પહોંચી છે. તે ચંદ્રક પાકો કરવાથી હવે ફકત એક જીત દૂર છે. તો પીવી સિંધુ અને દીપિકાકુમારી પ્રી. કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.
પૂજાના જોરદાર પંચ
ભારતીય મુક્કેબાજ પૂજા રાનીએ 75 કિલો વર્ગના રાઉન્ડ-16માં અલ્જીરિયાની બોક્સર ઇચરાક ચાઇબને 5-0થી સજ્જડ હાર આપી હતી. ત્રણેય રાઉન્ડમાં પાંચેય જજે પૂજાને પૂરા પોઈન્ટ આપ્યા હતા. પૂજા રાની હવે મેડલથી એક જીત દૂર છે. કવાર્ટર ફાઇનલમાં વિજયથી તે સેમિમાં પહોંચી જશે અને બોક્સિંગમાં સેમિમાં પહોંચનાર મુક્કેબાજનો ઓછામાં ઓછો કાંસ્ય ચંદ્રક નિશ્ચિત બને છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે 69 કિલો વર્ગમાં લવલીના બોરગોહેન પણ કવાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે.
પીવી સિંધુની આગેકૂચ
રિયો ઓલિમ્પિકના સિલ્વર મેડલને ગોલ્ડમાં બદલવાના લક્ષ્યાંક સાથે ટોક્યોમાં ભારતના પડકારની આગેવાની લેનાર સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ગ્રુપ સ્ટેજનો તેનો બીજો મુકાબલો પણ જીતી લીધો છે. પીવી સિંધુએ હોંગકોંગની 34મા નંબરની ખેલાડી એનગાન યી ચેયૂંગને 35 મિનિટની રમતમાં 21-9 અને 21-16થી હાર આપીને પ્રી. કવાર્ટર ફાઇનલ (નોકાઆઉટ રાઉન્ડ)માં જગ્યા બનાવી હતી. હાલ વિશ્વમાં છઠ્ઠો ક્રમ ધરાવતી સિંધુની ટક્કર ડેનમાર્કની 12મા નંબરની ખેલાડી મિયા બ્લિચફેલ્ટ વિરૂધ્ધ થશે. તેની સામે સિંધુનો હાર-જીતનો રેકોર્ડ 4-1 છે. ફક્ત એક જ વખત સિંધુ બ્લિચફેલ્ટ સામે થાઇલેન્ડ ઓપનમાં હારી છે.
દીપિકાના અચૂક નિશાન, પણ પ્રવીણ અને તરણદીપ ચૂક્યા
તીરંદાજીમાં રાઉન્ડ ઓફ 32 એલિમિનેશનમાં ભારતની ચંદ્રકની પ્રબળ દાવેદાર દીપિકાકુમારીએ ભૂટાનની ખેલાડી કર્માને 6-0થી હાર આપી હતી. આ પછી દીપિકાએ અમેરિકી આર્ચર જેનિફર ફર્નાંડેઝને 6-4થી હાર આપી હતી. આ મેચમાં દીપિકા પહેલો સેટ હારી ગયા બાદ સફળ વાપસી કરી શકી હતી. આ પછી મેચ 4-4ની બરાબરી પર આવી ગયો હતો. નિર્ણાયક મુકાબલામાં દીપિકાએ 9, 9 અને 8 પર નિશાન સાધીને આ મુકાબલો 6-4થી પોતાના નામે કરીને પ્રી. કવાર્ટર ફાઇનલમાં જગ્યા પાકી કરી હતી.
બીજી તરફ પુરુષ વિભાગમાં પ્રવીણ જાધવ રાઉન્ડ-16નો મુકાબલો હારીને ઓલિમ્પિકની બહાર થઇ ગયો હતો. પ્રવીણ જાધવ સામે વર્લ્ડ નંબર વન અમેરિકી આર્ચર બ્રેડી એલિસનનો 6-0થી આસાન વિજય થયો હતો. જ્યારે તરણદીપ રાય બીજા રાઉન્ડમાં તેનાથી ઓછા ક્રમાંકવાળા ઇઝરાયેલી ખેલાડી ઇતાય શેની વિરૂધ્ધ શૂટ ઓફમાં પ વિ. 6 પોઇન્ટથી હારીને બહાર થઇ ગયો હતો. એક સમયે તરણદીપ આ મેચમાં પ-3થી આગળ હતો, ઇઝરાયેલના તીરંદાજે વાપસી કરીને સ્કોર પ-પની બરાબરી પર લાવી દીધો હતો અને શૂટ ઓફમાં પરફેકટ ટેન કરીને આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. જ્યારે તરણદીપની ટોક્યોની સફર સમાપ્ત થઇ હતી.
નૌકાચાલકો જોડીનો શ્રેષ્ઠ દેખાવ, પણ ફાઇનલની બહાર
રોઇંગમાં ભારતીય નૌકાચાલક અર્જુનલાલ જાટ અને અરવિંદ સિંહ બીજા સેમિ ફાઇનલમાં છઠ્ઠા અને આખરી સ્થાન પર રહીને પુરુષોના લાઇટવેટ ડબલ સ્કલ્સના ફાઇનલમાં જગ્યા બનાવી શક્યા ન હતા. જો કે અર્જુન અને અરવિંદનું સેમિ ફાઇનલમાં પણ પહોંચવું ભારતીય નૌકાચાલકોમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. સેમિમાં ભારતીય રોઇંગ જોડીનો સમય 6 મિનિટ અને 24.41 સેકન્ડ રહ્યો હતો. પહેલા સ્થાને રહેનાર આયરલેન્ડની જોડીથી તેઓ 19.08 સેકન્ડ પાછળ રહ્યા હતા.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer