શાળાની ફી 15 ટકા ઘટાડવાનો મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્ર સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં શાળાની ફીમાં 15 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ઉપદ્રવને કારણે લૉકડાઉન લાદવામાં આવતા અસંખ્ય પરિવારો નાણાભીડની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. વધુમાં શાળાઓ બંધ છે. આમ છતાં અનેક શાળાઓ તેઓ દ્વારા નહીં અપાતી સેવાઓ માટેનાં નાણાં પણ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલ કરી રહી છે. તેથી અનેક વાલી સંગઠનો દ્વારા ફીમાં ઘટાડો કરવાની આગ્રહભરી માગણી કરવામાં આવી રહી હતી.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના અધ્યક્ષપદ હેઠળ મળેલી પ્રધાનમંડળની બેઠક બાદ શાળા શિક્ષણ ખાતાના પ્રધાન વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે વર્તમાન શૈક્ષણિક વર્ષે શાળાઓની ફીમાં 15 ટકા ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનો વિસ્તૃત આદેશ ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે. રાજસ્થાન સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર મહારાષ્ટ્ર સરકારે પણ આ નિર્ણય લીધો છે એમ વર્ષા ગાયકવાડે ઉમેર્યું હતું.
મહારાષ્ટ્રમાં કોરોનાના બીજા દોરનું મહત્ત્વ ઘટયું છે આમ છતાં ત્રીજા લહેરના ભયને કારણે શાળાઓને બંધ રાખવામાં આવી છે. મહારાષ્ટ્રના વાલીઓ અને રાજકીય પક્ષો દ્વારા શાળાની ફી ઘટાડવા માટે સતત આગ્રહભરી વિનંતી શિવસેના, રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસની બનેલી મહાવિકાસ આઘાડી સરકારને કરવામાં આવી રહી છે.
ગાયકવાડે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર બોર્ડ સહિત વિવિધ શિક્ષણ બોર્ડોએ આ પહેલા `આઘાડી' સરકારને જણાવી દીધું હતું કે તેઓ ફીમાં ઘટાડા અંગેનો રાજ્ય સરકારનો નિર્ણય શિરોમાન્ય ગણશે. રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવનારા આદેશમાં વિવિધ મુદ્દા અને અન્ય બાબતોને સમાવી લેવાશે તેથી શાળાના વ્યવસ્થાપકોએ અને વાલીઓમાં કોઈ ગૂંચવાડો રહે નહીં એમ ગાયકવાડે ઉમેર્યું હતું.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer