કોવિડ મહામારીમાં અૉનલાઈન રેગિંગ : 40 ટકા ફરિયાદો ઈ-ક્લાસિસમાંથી આવી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : હાલ કોવિડની મહામારી હોવા છતાં જૂન, 2020થી દેશની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાંથી યુનિવર્સિટી ગ્રાંટ કમિશન (યુજીસી)ની હેલ્પલાઈન પર રેગિંગની 300 જેટલી ફરિયાદો નોંધાવવામાં આવી હતી.
મોટા ભાગના અૉનલાઈન રેગિંગના કેસ મૅડિકલ કૉલેજો અને અન્ય હેલ્થ સાયન્સ સંસ્થાઓમાંથી આવ્યા હતા.
હાલ અૉનલાઈન વર્ગો લેવાતા હોવાથી રેગિંગ કરનારાઓએ તેમનું ધ્યાન અૉનલાઈન રેગિંગ કરવા પર કેન્દ્રિત કર્યું છે. કુલ કેસના 40થી 50 ટકા કેસમાં વિદ્યાર્થીઓએ અૉનલાઈન સતામણીની ફરિયાદ કરી છે.
સૌથી વધુ કેસ ઉત્તર પ્રદેશમાંથી નોંધાયા છે. આ જ સમયમાં મહારાષ્ટ્રમાંથી આવા 18 કેસ નોંધાયા હતા, એમ યુજીસીની નેશનલ એન્ટિ રેગિંગ હેલ્પલાઈનનાં મૅનેજર ચેતનાએ જણાવ્યું હતું.
કોવિડ મહામારી દરમિયાન સંકલન માટે ઊભા કરાયેલા ચેટ ગ્રુપમાં બીભત્સ ભાષાનો ઉપયોગ કરીને રેગિંગ કરવામાં આવતી હોય છે.
એક કૉલેજના શિક્ષકે જણાવ્યું હતું કે, વર્ગો હવે અૉનલાઈન થઈ ગયા હોવાથી વિદ્યાર્થીઓ ચેટ ગ્રુપ પર એકબીજા સાથે સંકલન કરતા હોય છે, જ્યાં ફોન નંબર જાહેર થઈ જતાં હોય છે અને તેનો ગેરઉપયોગ કરી શકાય છે.
દેશભરની યુનિવર્સિટીઓમાં રેગિંગની ફરિયાદો તરફ ધ્યાન આપવા આ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી હતી અને તેની નિગરાની અમન સત્ય કચરુ ટ્રસ્ટ કરે છે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer