હાઈ કોર્ટે છોટા રાજન સામેની એફઆઈઆર અને અન્ય દસ્તાવેજો સીબીઆઈ પાસેથી માગ્યા

મુંબઈ, તા. 28 (પીટીઆઈ) : ગેન્ગસ્ટર છોટા રાજનની જામીન અરજીનો સીબીઆઈએ બુધવારે હાઈ કોર્ટમાં વિરોધ કરતાં કહ્યું હતું કે ગેન્ગસ્ટરને દેશના કાયદા પ્રત્યે કોઈ માન-સન્માન નથી. 
સીબીઆઈ વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસીક્યુટર પ્રદિપ ઘરાતે કહ્યું હતું કે છોટા રાજન સામે કુલ 71 કેસો થયા છે. 
આમાંથી અનેક કેસો અદાલતોમાં પેન્ડિંગ છે અને અમુક કેસમા ચુકાદા આવ્યા છે અને એમાં તેને સજા પણ થઈ છે. છોટા રાજની જામીન અરજી કોર્ટે ફગાવી દેવી જોઈએ. છોટા રાજન બનાવટી નામ અને પાસપોર્ટ સાથે દેશમાંથી છૂ થઈ ગયો હતો અને આખરે તેને  નવેમ્બર 2015માં ઈન્ડોનેશિયાથી સ્વદેશ રવાના કરાયો હતો. અત્યારે તે દિલ્હીની તિહાર જેલમાં અદાલતી કસ્ટડીમાં બંધ છે.  છોટા રાજને એક હોટેલ માલિકની હત્યાનો જે પ્રયાસ કરેલો અને અન્ય બે કેસને લઈ  વચગાળાના જમીન માટે તેણે હાઈ કોર્ટમાં અરજી કરી છે. હોટેલ માલિકવાળા કેસમાં છોટા રાજનને 2019માં મુંબઈની મકોકા કોર્ટે આઠ વર્ષની સજા ફટકારી છે. 
જોકે છોટા રાજનના વકીલ સુદિપ પાસબોલાએ કહ્યું હતું કે આ કેસમાં મારા અસીલ સામે કોઈ ભરોસાપાત્ર પુરાવા છે જ નહીં. 
હાઈ કોર્ટની સિંગલ બૅન્ચે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ સીબીઆઈને છોટા રાજન સામેની એફઆઈઆર કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. એ ઉપરાંત સાક્ષીઓના કબુલાતનામા અને રાજનનો ગુનાહિત ભૂતકાળ કોર્ટને આપવા જણાવ્યું હતું. 
આ કેસની આગામી સુનાવણી હવે બે અઠવાડિયાં પછી થશે. 

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer