અફઘાનિસ્તાનના મુદ્દે ભારત-અમેરિકા સાથે મળીને કામ કરતાં રહેશે : બ્લિન્કન

નવી દિલ્હી, તા.28 : ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કન આજે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને એનએસએ અજિત ડોભાલને મળ્યા હતા. સંયુક્ત પત્રકાર પરિષદમાં તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી દળોની વાપસી બાદ અફઘાનિસ્તાનની ક્ષેત્રીય સ્થિરતા માટે અમે (અમેરિકા-ભારત) સાથે મળીને કામ કરતાં રહીશું. બ્લિન્કને સંકેત આપ્યો કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્ય પાછુ ફર્યું છે સમર્થન પાછુ ખેંચ્યુ નથી. સ્થિતિ પર અમેરિકાની બરાબર નજર છે. તેમણે કહ્યું કે અમારી પાસે એક મજબૂત દૂતાવાસ અને મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો પણ છે. અફઘાનિસ્તાનના વિકાસ અને સુરક્ષા માટે અમે મદદ કરતાં રહીશું. અફઘાનિસ્તાનમાં તાલિબાનની વધતી તાકાતથી અમે ચિંતિત છીએ. અમે હજુ પણ અફઘાનિસ્તાનમાં છીએ.
અમેરિકાના વિદેશ પ્રધાન સાથેની વાતચીતમાં અફઘાનિસ્તાન, ચીન, દ્વિપક્ષીય સંબંધો, હિંદ- પ્રશાંત ક્ષેત્ર, કવાડ સંગઠન જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. બ્લિન્કને એસ.જયશંકર ઉપરાંત ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે બેઠક યોજી હતી. તેઓ દિલ્હીમાં દલાઈ લામાના પ્રતિનિધિ ન્ગોડુપ ડોંગચુંગને પણ મળ્યા હતા.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer