દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસમાં રાજ્ય સરકાર સહકાર આપતી નથી

દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસમાં રાજ્ય સરકાર સહકાર આપતી નથી
સીબીઆઈએ હાઈ કોર્ટમાં કરી રજૂઆત
મુંબઈ, તા. 28 (પીટીઆઈ) : બુધવારે સીબીઆઈએ મુંબઈ હાઈ કોર્ટને કહ્યું હતું કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને રાષ્ટ્રવાદીના નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ કરવાનો હાઈ કોર્ટનો આદેશ હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર તપાસમાં સહકાર આપતી નથી. 
સીબીઆઈ વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે હાઈ કોર્ટના ન્યાયાધીશો એસ. એસ. શિંદે અને એન. જે. જામદારની બૅન્ચને કહ્યું હતું કે પોલીસ પોસ્ટિંગ્સમાં ભ્રષ્ટાચાર અને ટ્રાન્સફર વિશે સિનિયર આઈપીએસ ઓફિસર રશ્મી શુક્લએ લખેલા પત્રોની નકલો આપવા સીબીઆઈએ મહારાષ્ટ્રના સ્ટેટ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટને એક પત્ર લખ્યો હતો, પણ એ આપવાની ના પાડી દીધી છે. 
તેમણે કહ્યું હતું કે 22 જુલાઈના હાઈ કોર્ટે પોલીસ પોસ્ટિંગ્સ અને ટ્રાન્સફરમાંના ભ્રષ્ટાચારની તપાસ કરવાનો આદેશ આપેલો અને એ દિવસે કોર્ટે સીબીઆઈની માજી ગૃહપ્રધાન અનિલ દેશમુખ સામેની એફઆઈઆરમાંથી અમુક હિસ્સો કાઢી નાખવાની મહારાષ્ટ્ર સરકારની અરજી કાઢી નાખી હતી. 23 જુલાઈના સીબીઆઈએ રાજ્યના સ્ટેટ ઈન્ટેલિજન્સ ચીફને પત્ર લખી રશ્મી શુક્લએ આ સંબંધમાં લખેલા પત્રોની નકલો માગી હતી. 27 જુલાઈના અમારા પત્રનો એસીપી નીતિન જાધવે જવાબ આપ્યો હતો કે આ પત્રોની નકલો નહીં મળે કારણે આ પત્રો અન્ય એક તપાસનો ભાગ છે. સીબીઆઈની ફરિયાદ માત્ર એટલી જ છે કે રાજ્ય સરકાર અમારી તપાસમાં સહકાર આપતી નથી.  આને પગલે બૅન્ચે સીબીઆઈને આ વિશે એક અરજી ફાઈલ કરવાની સલાહ આપી હતી અને પછી એ અરજી વિશે સામા પક્ષની દલીલો સાંભળશે. 
સીબીઆઈએ આ વર્ષના એપ્રિલ મહિનામાં અનિલ દેશમુખ સામે એફઆઈઆર ફાઈલ કરી હતી. સત્તાનો દુરુપયોગ કરવાનો તેમના પર આરોપ મુકવામાં આવ્યો હતો. જોકે અનિલ દેશમુખે આ આરોપોનો ઈન્કાર કર્યો છે. 

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer