હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે સોખડામાં હરિભક્તોની કતાર

હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન માટે સોખડામાં હરિભક્તોની કતાર
વડોદરા, તા. 28 : પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજીના દેહાંત બાદ સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. ત્યારે આજે સ્વામીજીના નશ્વર દેહને ભક્તોનાં દર્શન માટે મંદિર પરિસરમાં મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે સવારથી હરિભક્તોએ સ્વામીનાં અંતિમ દર્શન માટે લાઇનો લગાવી દીધી હતી. આગામી ચાર દિવસ દરમિયાન દેશ-વિદેશના બે લાખ જેટલા ભક્તો સ્વામીનાં અંતિમ દર્શન કરશે. 
ભક્તો અૉનલાઈન દર્શન કરી શકે એ માટેની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. જેમાં આજે 28 જુલાઇથી 31 જુલાઈ સુધી મંદિર પ્રાંગણમાં જ હરિપ્રસાદ સ્વામીજીના ભક્તો અંતિમ દર્શન કરી શકશે. જે બાદ સ્વામીજીની અંતિમ ઈચ્છા મુજબ અક્ષર દેરી સામેના લીમડા વન ખાતે પહેલી અૉગસ્ટના બપોરે 2.30 કલાકે તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવશે. 
મળતી માહિતી અનુસાર સ્વામીજીનાં અંતિમ દર્શન માટે ચાર દિવસ દરમિયાન અનેક નેતાઓ આવશે. જેમાં આજે રાજ્ય સરકારના પ્રધાન કુંવરજી બાવળિયા, આવતી કાલે દિલ્હીના મુખ્ય પ્રધાન અરાવિંદ કેજરીવાલ અથવા નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા આવશે, આવતી કાલે પ્રધાન સૌરભ પટેલ દર્શન માટે આવશે. 
આ ઉપરાંત શુક્રવારે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રાસિંહ ચુડાસમા, 31 જુલાઈએ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને પહેલી અૉગસ્ટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આવશે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન કાર્યાલય સાથે પણ કોઠારી સ્વામીનો સતત સંપર્ક થઈ રહ્યો છે. દેશના ગૃહપ્રધાન અમિત શાહ અથવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા દર્શન માટે આવશે. 
અંતિમ દર્શન માટે ચાર દિવસ ઓનલાઈન વ્યવસ્થા પણ કરાઈ છે. ચાર દિવસ દરમિયાન દેશ-વિદેશના બે લાખ જેટલા ભક્તો સ્વામીનાં અંતિમ દર્શન કરશે. સ્વામીજીના છેલ્લી વાર દર્શન કરવા હરિભક્તોએ બે કિમી લાંબી લાઈનો લગાવી દીધી હતી. હરિભક્તોએ આંસુઓની સરવાણી સાથે સતત સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરી સ્વામીજીનાં દર્શન કર્યા હતા. હરિપ્રસાદ સ્વામીજી મહારાજે અક્ષરધામ ગમન કરતાં તેમના વતન આસોજ ગામના લોકોએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો. સ્વામીજીએ તેમનું શિક્ષણ આસોજ ગામની સ્કૂલમાં જ મેળવ્યું હતું. સ્વામીજી અક્ષરનિવાસ થયાના સમાચાર મળતાં જ આખું ગામ શોકમગ્ન થઈ ગઈ હતું. હરિપ્રસાદ સ્વામીજીનું પ્રાગટય 23 મે, 1934ના રોજ વડોદરા જિલ્લાના આસોજ ગામમાં થયું હતું.
મોરારિબાપુએ આપી શ્રદ્ધાંજલી
પૂજ્ય મોરારિબાપુએ શોક સંદેશમાં જણાવ્યું હતું કે, પરમ પૂજ્ય સ્વામીજી હરિપ્રસાદ બાપજી આપણી વચ્ચેથી જીવનની ખૂબ લાંબી સાધના કરીને એનો સમય આવે વિદાય થયા. સૌપ્રથમ પૂજ્ય સ્વામીજીને મારા હૃદયથી પ્રણામ. સ્વામીજી સાથે સંકળાયેલા સંતોને પણ મારા તરફથી દિલશોજીની લાગણી વ્યક્ત કરું છું. સ્વામી સાથે આત્મીય સંબંધ રહ્યો. આત્મીય શબ્દ તેમના શબ્દકોષમાં બહુ ઊંચાઈ પર હતો. તેઓ બહુ સરળતાથી વાત કરતા જાણે વર્ષોનો નજીકનો સંબંધ હોય તેવું લાગતું હતું. આપણને કાયમ યાદ રહેશે. સ્વામીજી તેમના દરેક આત્મીય કાર્યક્રમમાં આમંત્રણ આપે જ. હજારો યુવકોને શિસ્તબદ્ધ તૈયાર કર્યા હતી. મહાપુરુષ જીવનયાત્રામાં મોટું કાર્ય કરીને જતા હોય છે. વાતચીત તો હસતા કરતા હતા. એકદમ સાવ જાણે નજીકના હાઈએ. કાયમ સ્વરૂપે આપણે યાદ કરીશું. 31મી જુલાઈએ અમરકંઠમાં કથા હોવાથી હું અંતિમયાત્રામાં આવી શકીશ નહીં, પરંતુ અનુકૂળતાએ તેમની સમાધિએ દર્શન કરવા જઈશ. ત્યાગ તપસ્યાને પ્રણામ.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer