અમેરિકાના સીપીઆઇ ડેટા પૂર્વે સોનામાં સુસ્તી

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 14 : વૈશ્વિક બજારમાં સોનાના ભાવ નરમ આંતરપ્રવાહ વચ્ચે ટકી રહ્યા હતા. અમેરિકાના કન્ઝ્યુમર પ્રાઇસ ડેટાની જાહેરાત થવાની હતી એ પૂર્વે સુસ્તી જણાતી હતી. ન્યૂયોર્કમાં 1787 ડોલરના મથાળે સોનું રનીંગ હતુ જ્યારે ચાંદી 23.59 ડોલર હતી. 
વિષ્લેષકોના મતે અમેરિકાનો સીપીઆઇ ડેટા ઓગસ્ટમાં 0.3 ટકા જેટલો વધી શકે છે. એનર્જી અને ફૂડના ભાવમાં વધારો થતા ફુગાવો સહેજ ઉંચકાશે. જોકે તેનાથી ફેડના વ્યાજદર વધારાના નિર્ણયને મદદ મળે તેવી શક્યતા ઓછી છે.
 ફેડ સીધું જ વ્યાજદરમાં વધારો કરવાનું નક્કી કરશે નહીં તેમ વિષ્લેષકો માને છે. એ પૂર્વે બોન્ડની ખરીદી હળવી પાડવી પડશે. 
જોકે ચાલુ વર્ષના અંત સુધીમાં બોન્ડની ખરીદી હળવી પાડવા અંગે ફેડ ગંભીરતાથી વિચારણા ચલાવવા લાગી છે. જોકે હજુ ફેડ આ બાબતમાં કોઇ નિવેદન કરી  શકી નથી. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ.50 ઘટતા રુ. 48500 અને ચાંદીનો ભાવ એક કિલોએ રુ. 500 ઘટીને રુ. 63500 હતો. મુંબઇ સોનું રુ. 42 ઘટીને રુ. 47017 અને ચાંદી રુ. 70 ઘટી રુ. 62806 રહી હતી.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer