મહારાષ્ટ્ર સરકાર તબીબી ક્ષેત્રમાં કટ પ્રેક્ટિસની શત્રક્રિયા ક્યારે કરશે?

હિન્દુ વિધિજ્ઞ પરિષદે પૂછયો પ્રશ્ન
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 : આરોગ્ય ક્ષેત્રમાં ડૉક્ટર અને રુગ્ણાલયો આવશ્યક ન હોવા છતાં દરદીઓની મજબૂરીનો ગેરલાભ લઈને તબીબી તપાસણીઓ કરવાનું કહેવામાં આવે છે; વિશિષ્ટ કે અમુક ઔષધિઓ લેવા માટે ચોક્કસ `મેડિકલ સ્ટોર'માં મોકલવામાં આવે છે; આ માધ્યમ દ્વારા `ટકા' તરીકે મળનારી લાંચ `કમિશન' તરીકે સ્વીકારવામાં આવે છે; આવી `કટ પ્રેક્ટિસ' મહારાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ચાલુ છે. આ ગેરપ્રકારોના વિરોધમાં કાયદો કરવા માટે 27મી જુલાઈ 2017ના દિવસે શાસને તજજ્ઞોની સમિતિ બનાવી હતી. આ સમિતિએ કાયદાનું માળખું તૈયાર કરી આપ્યું તો ખરું; પણ આગળ પાંચ વર્ષ તેના પર કોઈપણ કાર્યવાહી થઈ નહીં. કોરોના કાળમાં તો ડૉક્ટર, પૅથોલોજી લૅબ અને હૉસ્પિટલોએ મોટાપાયે દરદીઓને લૂંટી લીધા હતા. આ પ્રકરણ અત્યંત સંવેદનશીલ છે અને ડૉક્ટરોના `કટ પ્રેક્ટિસ'નું `અૉપરેશન' મહારાષ્ટ્ર શાસન ક્યારે કરશે, એવો પ્રશ્ન હિંદુ વિધિજ્ઞ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ધારાશાસ્ત્રી વીરેંદ્ર ઇચલકરંજીકરે પૂછ્યો છે. 
આ વિશે હિંદુ વિધિજ્ઞ પરિષદે મુખ્ય પ્રધાન, આરોગ્યપ્રધાન, આરોગ્ય સચિવ, વૈદ્યકીય શિક્ષણ અને ઔષધિ દ્રવ્યો પ્રધાન તેમ જ વિભાગના સચિવને વિગતવાર નિવેદન મોકલાવ્યું છે. નિવૃત્ત પોલીસ મહાસંચાલક પ્રવીણ દીક્ષિત, ડૅ. અવિનાશ તુપે, ડૉ. સંજય ઓક, ડૉ. અભય ચૌધરી ઇત્યાદિની સમિતિએ બનાવેલો `મહારાષ્ટ્ર પ્રિવેન્શન અૉફ કટ પ્રેક્ટિસ કાયદો 2017' આ મસૂદો 29મી સપ્ટેંબર 2017ના દિવસે વૈદ્યકીય શિક્ષણ સંચાલકોએ સંચાલનાલયના સંકેતસ્થળ પર લોકો પાસેથી `વાંધા અને સૂચના' મંગાવવા માટે મૂક્યો હતો. આ સંદર્ભમાં અમે માહિતી અધિકાર હેઠળ પૂછ્યું ત્યારે `કાયદાની વિગતો તજજ્ઞ સમિતિએ હજી અમને આપી નથી. તેમ જ સદર કાયદા વિશેની સંપૂર્ણ ફાઇલ વૈદ્યકીય શિક્ષણ અને ઔષધિ દ્રવ્યો પ્રધાન પાસે ગત 18મી મેએ મોકલાવી છે', એવો ઉત્તર 23 અૉગસ્ટ 2021ના દિવસે આપીને વૈદ્યકીય શિક્ષણ અને ઔષધિ દ્રવ્યો વિભાગે હાથ ખંખેરી નાખ્યા છે.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer