મુંબઈનાં દરેક પોલીસ સ્ટેશનમાં રચાશે નિર્ભયા સ્ક્વોડ

મહિલાની સલામતી માટે લેવાયો નિર્ણય
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 : સાકીનાકા વિસ્તારમાં ગયા અઠવાડિયે બનેલી રેપ-મર્ડરની હિચકારી ઘટના બાદ મુંબઈના પોલીસ કમિશનર હેમંત નગરાળેએ મંગળવારે પરિપત્ર બહાર પાડી દરેક પોલીસ સ્ટેશનને `િનર્ભયા' ટુકડી રચવાની સૂચના આપી હતી. એ ઉપરાંત જે જે વિસ્તારમાં મહિલાઓ સામે ગુના થવાનું જોખમ વધુ છે ત્યાં પોલીસ પહેરો સઘન બનાવવાની સુચના પણ કમિશનરે આપી છે. 
સાકીનાકાની રેપ અને મર્ડરની ઘટના દિલ્હીમાં 2012મા બનેલી નિર્ભય ગૅંગ રેપ-મર્ડર સાથે ઘણી રીતે મળતી આવે છે. દરેક પોલીસ સ્ટેશનમાં જે નિર્ભયા ટુકડી હશે, એમાં એક મહિલા આસિસ્ટન્ટ ઈન્સ્પેકટર કે સબ ઈન્સ્પેક્ટર, એક મહિલા કોન્સ્ટેબલ, એક પુરુષ કોન્સ્ટેબલ અને એક ડ્રાઈવર હશે. 
દરેક પોલીસ સ્ટેશનમાં પેટ્રાલિંગ માટે અમુક વાહનો ફાળવવામાં આવ્યા હોય છે અને એમાં મોબાઈલ-ફાઈવ નંબરનું વાહન આ નિર્ભયા ટુકડીને ફાળવવામાં આવશે. આ ટુકડીના સભ્યોને બે દિવસની ખાસ તાલીમ આપવામાં આવશે. જે વિસ્તારમા ગર્લ્સ હોસ્ટેલ હોય, બાળકો માટે આશ્રય સ્થળ હોય અને અનાથાલયો હોય એ વિસ્તારમાંથી ગુપ્ત બાતમી કેવી રીતે મેળવવી એની તાલીમ તેમને આપવામાં આવશે. 
સેક્સ્યુઅલ સતામણી કે પછી હુમલાનો ભોગ બનેલી પીડિતાંઓનું સક્ષમ નામની ઝુંબેશ હેઠળ કાઉન્સાલિંગ પણ કરાશે. જે વિસ્તારોમાં મહિલાઓ સામે વધુ ગુના નોંધાય છે એ વિસ્તારોને દરેક પોલીસ સ્ટેશન ઓળખી કાઢશે. ઝુંપડપટ્ટી, ગાર્ડન, સ્કૂલ, કૉલેજ, થિયેટર અને મોલ પાસેના નિર્જન સ્થળો પાસે પણ પહેરો સઘન બનાવાશે. દરેક સ્કૂલ, કૉલેજ અને હૉસ્ટેલમાં નિર્ભયા ફરિયાદ બોક્સ પણ રાખવામાં આવશે. આ બોક્સમાં કોઈપણ મહિલા તેની ફરિયાદ નાખી શકશે. 
પરિપત્રમાં કમિશનરે કહ્યું છે કે મોડી રાત્રે ઘરે એકલી આવતી મહિલાઓને પોલીસે મદદ કરવાની રહેશે. મહિલા વિનંતી કરે તો તેમના માટે વાહનની વ્યવસ્થા કરવી પડશે. દરેક પોલીસ સ્ટેશને એમના વિસ્તારમાં એકલી રહેતી સિનિયર સિટિઝન મહિલાઓની યાદી બનાવવી પડશે અને પેટ્રાલિંગ દરમિયાન તેમની સમસ્યા સાંભળવા તેમને મળવા પણ જવું પડશે. 
પરિપત્રમાં કમિશનરે કહ્યું છે કે સંકટગ્રસ્ત મહિલાઓ માટેના હેલ્પલાઈન નંબર 103નો યોગ્ય રીતે પ્રસાર કરવાની પણ જરૂર છે. છેલ્લાં પાંચ વર્ષમાં મહિલાઓ સામે ગુનો આચરનાર આરોપીઓના નામની યાદીનું અલગ રજિસ્ટર રાખવાની પણ દરેક પોલીસ સ્ટેશનને સૂચના આપવામાં આવી છે. આવા આરોપીઓ પર નજર રાખવાની સૂચના પણ દરેક પોલીસ સ્ટેશનને આપવામાં આવી છે.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer