ઈંધણને જીએસટી હેઠળ લાવવા શુક્રવારે ચર્ચા

નવી દિલ્હી, તા.14  (એજન્સીસ): ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) કાઉન્સિલની 17મી સપ્ટેમ્બર - આવતા શુક્રવારે મળનારી સૂચિત બેઠકમાં પેટ્રોલ - ડીઝલને પરોક્ષ વેરા હેઠળ મૂકવા માટે વિચારણા કરવામાં આવે તેવી શક્યતા વરિષ્ઠ સરકારી અધિકારીએ વ્યક્ત કરી છે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલિયમ પેદાશો ઉપર એક જ રાષ્ટ્રીય વેરો લાગુ કરવા વિશે વિચારણા થશે અને તેનાથી ગ્રાહકોને સીધી રીતે લાગુ થતાં ભાવ અને સરકારની મહેસૂલી આવક સંદર્ભે મોટા ફેરફાર થવાની દિશામાં દ્વાર ખુલ્લા થશે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
અદાલતે પેટ્રોલિયમ પેદાશોને જીએસટી પ્રણાલી હેઠળ લાવવા માટે સૂચના આપ્યા બાદ આવતા શુક્રવારની જીએસટીની બેઠકમાં આ વિષયે  નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ચર્ચા થશે, એમ તેમણે જણાવ્યું હતું.
જીએસટી પ્રણાલીમાં કોઇપણ ફેરફાર કરવા માટે પેનલના 75 ટકા સભ્યોની મંજૂરી આવશ્યક હોય છે, પેનલમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સામેલ છે. અમુક રાજ્યો પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ મૂકવા સામે વિરોધ કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે રાજ્યોની મુખ્ય મહેસૂલી આવકનો મોટો હિસ્સો કેન્દ્ર સરકારની તિજોરીમાં જતો રહેશે અને રાજ્યોની આર્થિક સ્થિતિ ઉપર વિપરીત અસર પડશે. 
ઇંધણ ઉપર એક સમાન વેરો લાગુ કરવામાં આવે તો ગૅસોલિન અને ડીઝલના ભાવમાં ગ્રાહકો માટે મોટો ઘટાડો થઇ શકે. અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાછલા સમયગાળામાં સતત વધારો થવાના કારણે ફુગાવામાં ઉછાળો આવ્યો છે. ઇંધણના વેચાણ ઉપર રાજ્યો અને કેન્દ્રીય વેરા લાગુ થતાં હોવાથી તેના ભાવ સતત ઊંચા રહે છે.
દેશની ઇંધણની  કુલ આવશ્યકતામાં ગૅસોલિન અને પેટ્રોલનો હિસ્સો 50 ટકા કરતાં વધુ છે, ઇંધણના ભાવમાં પણ 50 ટકા કરતાં વધારે હિસ્સો વેરાઓનો છે.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer