ટીમ ઇન્ડિયાનો ન્યૂ ઝીલૅન્ડનો પ્રવાસ સ્થગિત

વર્ષ 2022ના ટી-20 વર્લ્ડ કપ બાદ યોજાય તેવી વકી
નવી દિલ્હી, તા.16: ટીમ ઇન્ડિયાનો ન્યુઝીલેન્ડનો પ્રવાસ આગામી 2022ના ટી-20 વર્લ્ડ કપ સુધી ટાળી દેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમને ટી-20 વર્લ્ડ કપ-2021 બાદ ન્યુઝીલેન્ડની ધરતી પર બે ટેસ્ટ મેચ અને ત્રણ મેચની વન ડે શ્રેણી રમવાની હતી. વન ડે સિરીઝ વિશ્વ કપ-2023 માટે ક્વોલીફાઇ કરવા માટે સુપર લીગની મહત્ત્વની હતી. હવે તે ટાળી દેવામાં આવી છે. નવો કાર્યક્રમ શું હશે ? તે હાલ જાહેર થયું નથી.
રિપોર્ટ અનુસાર ભારતનો આ ન્યુઝીલેન્ડનો પ્રવાસ 2022ના ટી-20 વર્લ્ડ કપ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યો છે. આ પ્રવાસ બીસીસીઆઇએ નહીં, પણ ક્રિકેટ ન્યુઝીલેન્ડે દ્વારા લેવામાં આવ્યો છે. ન્યુઝીલેન્ડની સરકારે બુધવારે જારી કરેલ એમઆઇક્યુ (મેનેજ આઇસોલેશન એન્ડ ક્વોરન્ટાઇન) બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કિવિઝ ખેલાડીઓ વિદેશ પ્રવાસથી આ વર્ષના ડિસેમ્બરમાં સ્વદેશ પરત ફરે પછી તેમને 14 દિવસ માટે ફરજિયાત ક્વોરન્ટાઇન રહેવું પડશે. આથી ભારત વિ.ની શ્રેણી શક્ય ન હતી. આથી ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ડેવિડ વાઇટે ભારત સામેની ટેસ્ટ અને વન ડે શ્રેણી હાલ સ્થગિત કરાયાની જાહેરાત કરી છે.
બીજી તરફ ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપ પછી દ. આફ્રિકાના પ્રવાસે જશે. જ્યાં કોહલીની ટીમ ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી, ત્રણ મેચની વન ડે અને ચાર મેચની ટી-20 શ્રેણી રમશે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer