એશિયન ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપની ભારતીય ટીમમાંથી માનિકા બત્રા આઉટ

એશિયન ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપની ભારતીય ટીમમાંથી માનિકા બત્રા આઉટ
નેશનલ કૅમ્પમાં ભાગ ન લેવો અને કૉચ સાથેનો વિવાદ નડી ગયો 
નવી દિલ્હી, તા.16: એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની ભારતીય ટીમમાં સફળ ઓલિમ્પિયન અને કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડાલિસ્ટર સફળ પેડલર માનિકા બત્રાને જગ્યા મળી નથી. એશિયાઇ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 28 સપ્ટેમ્બરથી પ ઓકટોબર સુધી દોહામાં રમાવાની છે. માનિકા બત્રાની અનુપસ્થિતિમાં 97મા ક્રમની ખેલાડી સુતીર્થ મુકરજી મહિલા ટીમની કમાન સંભાળશે. તેની સાથે અહિકા મુકરજી અને અર્ચના કમઠને ટીમમાં જગ્યા મળી છે. જયારે પુરુષ ટીમની કમાન ગુજરાતના માનવ ઠક્કરને સોંપાઇ છે. તેની સાથે ટીમમાં અનુભવી શરથ કમલ, જી. સાથિયાન, હરમીત દેસાઇ અને સુનિલ શેટ્ટી છે. માનિકા બત્રાને પડતી મુકવાનું મુખ્ય કારણ  ટોકયો ઓલિમ્પિક બાદ નેશનલ કેમ્પમાં ભાગ ન લેવો અને નેશનલ કોચ સૌમ્યદીપ રોય પર ફિકસીંગના આરોપ લગાવવા છે. માનિકાને સોનીપતમાં નેશનલમાં કેમ્પમાં ભાગ લેવાના બદલે પૂણેમાં અંગત કોચ સાથે ટ્રેનિંગ શરૂ કરી હતી. 

Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer