વિરાટ કોહલીએ ટી-20નું સુકાન છોડયું

વિરાટ કોહલીએ ટી-20નું સુકાન છોડયું
વર્લ્ડ કપ બાદ કૅપ્ટનપદેથી હટી જશે: ટેસ્ટ અને વન ડેમાં નેતૃત્વ સંભાળતો રહેશે
ટી-20 ફોર્મેટમાં રોહિત શર્માનું કપ્તાન બનવું નિશ્ચિત
નવી દિલ્હી, તા.16: વિરાટ કોહલીએ ઓક્ટોબરમાં યુએઇમાં રમાનાર વર્લ્ડ કપ બાદ ટી-20 ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય જાહેર કર્યો છે. ઇંગ્લેન્ડના પ્રવાસ બાદથી જ કોહલીને કોઇ એક ફોર્મેટમાંથી કપ્તાનપદેથી હટાવવામાં આવશે તેવી ચર્ચા ચાલી રહી હતી, પણ બીસીસીઆઇ આ વાત સતત નકારી રહ્યંy હતું પરંતુ આજે ખુદ વિરાટ કોહલીએ ટ્વિટર પર ટી-20નું સુકાનીપદ વિશ્વ કપ બાદ છોડી દેવાનું જાહેર કર્યું છે. તે ટેસ્ટ અને વન ડે ફોર્મેટમાં કેપ્ટનશીપ ચાલુ રાખશે. વર્લ્ડ કપ બાદ ટી-20માં ભારતીય ક્રિકેટ ટીમનું સુકાન રોહિત શર્માને મળશે તે લગભગ નિશ્ચિત છે.
 હાલમાં જ એવી ખબર સામે આવી હતી કે બીસીસીઆઇ લાલ અને સફેદ દડાના ક્રિકેટમાં અલગ-અલગ કેપ્ટન બનાવવા પર વિચારી રહી છે. જો કે આવી ખબરોનું બોર્ડના સેક્રેટરી જય શાહે બે દિવસ પહેલા જ ખંડન કર્યું હતું. હવે આજે કોહલીએ જ ટી-20નું નેતૃત્વ છોડવાની જાહેરાત કરી છે.
વિરાટ કોહલીએ ટ્વિટ કર્યું કે હું ખુશકિસ્મત છું કે મેં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું, એટલું જ નહીં પૂરી ક્ષમતાથી તેનું સુકાન સંભાળ્યું. હું આ તકે તમામનો આભારી છું, જેમણે મારા કપ્તાનીના કાર્યકાળ દરમિયાન મારું સમર્થન કર્યું. સાથી ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ, પસંદગી સમિતિ, કોચ અને બીજા સહુ જેમણે ભારતીય ટીમ માટે પ્રાર્થના કરી તેમનો આભાર માનું છું. હું પાછલા 8-9 વર્ષથી ત્રણેય ફોર્મેટમાં દેશનું પ્રતિનિધિત્વ કરું છું. પ-6 વર્ષથી સુકાન સંભાળું છું. મને લાગે છે કે ટેસ્ટ અને વન ડે ફોર્મેટની કેપ્ટનશિપની તૈયારી માટે મારા થોડા સ્પેસને છોડવાની જરૂર હતી. હવે હું ટી-20 ફોર્મેટમાં ફક્ત બેટધર તરીકે જોડાયેલો રહીશ. વર્લ્ડ કપ બાદ સુકાની છોડીશ. મેં આ ફેસલો સમજી વિચારીને લીધો છે. મેં આ માટે બોર્ડના સેક્રેટરી જય શાહ અને અધ્યક્ષ સૌરવ ગાંગુલી સાથે ચર્ચા કરી છે. રવિભાઈ અને રોહિત જે લીડરશીપના અહમ હિસ્સા છે, તેમને પણ વિશ્વાસમાં લીધા છે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer