તાંબા, ઍલ્યુમિનિયમના ભાવ દબાણ હેઠળ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : આંતરરાષ્ટ્રીય બજારમાં બિનલોહ ધાતુના ભાવમાં ઘટાડાના લીધે સ્થાનિક બજારમાં હાજરમાં મુખ્યત્વે તાંબા-એલ્યુમિનિયમ પ્રોડક્ટના ભાવ તૂટયા હતા. અગાઉના અઠવાડિયે તાંબા કેબલનો ભાવ કિલો દીઠ (ઝડપી ઉછાળે) રૂા. 729ની ટોચે ક્વોટ થયો હતો. જ્યારે આજે કેબલનો ભાવ પુન: રૂા. 13 ઘટીને રૂા. 716 બંધ હતો. તાંબા હેવીનો ભાવ ઘટીને રૂા. 711 રહેવાથી બજારમાં વધુ ઘટાડાની શક્યતાને જોતા ખરીદી ઘટી છે, એમ સ્ટોકિસ્ટો માને છે. તાંબા આર્મેશરનો ભાવ અગાઉ સામે રૂા. 8 ઘટીને રૂા. 700 બંધ રહ્યો હતો. તાંબા વાસણનો ભાવ રૂા. 10 ઘટાડે પુન: અગાઉની સપાટીઓ રૂા. 645 બંધ રહ્યો હતો.
સ્થાનિક બજાર સૂત્રોએ જણાવ્યું હતું કે દિવાળી પૂર્વે તાંબાની પ્રોડક્ટોમાં વાહન અને ઈલેક્ટ્રિકલ પ્રોજેક્ટોમાં સારી માગ નીકળી છે, જેથી બજારમાં વોલ્યુમ વધ્યું છે. આમ છતાં વિદેશી ચલણ અને વૈશ્વિક બજારમાં ઝડપી ભાવ વધઘટને લીધે બજારમાં સાવચેતીનો માહોલ જોવાઈ રહ્યો છે.
દરમિયાન, તાંબા બીલેટનો ભાવ રૂા. 13 ઘટાડે રૂા. 744 પર સ્થિર હતો. જોકે, એલ્યુમિનિયમ ભંગારની અછત હોવાથી હાજર બજારમાં ભાવ. રૂા. 185 ક્વોટ થયો હતો. ઘન મેટલ રૂા. 500 પર સ્થિર ભાવે નગણ્ય વોલ્યુમ રહ્યું હતું. બ્રાસ શીટનો ભાવ રૂા. 524 પર સ્થિર જણાતો હતો.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer