ડૉલરની તેજીથી સોના-ચાંદી તૂટ્યાં

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 16 : ડોલરના મૂલ્યમાં તેજી આવવાને લીધે સોનાનો ભાવ વૈશ્વિક બજારમાં 1800ની અંદર જતો રહ્યો હતો. ન્યૂયોર્કમાં આ લખાય છે ત્યારે સોનાનો ભાવ 1778 ડોલર હતો. રોકાણકારો આવતા મગળવારે યોજાનારી ફેડની બેઠક પર નજર રાખી રહ્યા છે. વ્યાજદર અને બોન્ડની ખરીદી ક્યાં સુધી ચાલુ રહેશે તેનો સંકેત એ બેઠકમાંથી મળે એમ છે. સોનામાં અત્યાર સુધી ફુગાવા સામે હેજરુપી ખરીદી થતી હતી પણ તે અટકી પડી છે. હવે સૌ ફેડની બેઠક પછી જ નવી પોઝીશન લેવાના મૂડમાં છે. 
વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો ઇમરજન્સી એકોમોડેશન ઘટાડી રહી છે અને હવે તે ચાલુ રાખવાના મૂડમાં પણ નથી એ કારણે મધ્યમગાળામાં સોનાના ભાવ દબાણ હેઠળ રહેવાની ધારણા હોવાનું એસપીઆઇ એસેટ મેનેજમેન્ટના સ્ટેફન ઇન્સે કહ્યું હતુ. આવનારા છ માસમાં ઉંચા વ્યાજદરનો સમયગાળો બનશે એવી ગણતરીએ સોનાની ખરીદી અત્યારે મર્યાદિત થઇ રહી છે. 
ફેડની બેઠકમાં મોટાંભાગના લોકો એવી ધારણા રાખે છેકે બોન્ડની ખરીદી હળવી કરવા અંગે કોઇ સંકેત આપવામાં આવશે. અત્યારે તો એવી માન્યતા છેકે ફેડ ચાલુ વર્ષના અંત સુધીમાં આવી કોઇ જાહેરાત કરશે. ભારતીય વિષ્લેષકોનું કહેવું છેકે, ફેડની બેઠક સુધી હવે સોનાના ભાવ અથડાતા રહે તેવી શક્યતા છે. ટૂંકાગાળામાં સોનાના ભાવને 1770 ડોલરની સપાટીએ મજબૂત ટેકો છે. એની નીચે બે ત્રણ દિવસ ટકી રહે તો વધુ નીચે જઇને 1700 ડોલર સુધીના ભાવ થવાની સંભાવના છે. 1835 ન વટાવે ત્યાં સુધી તેજી મુશ્કેલ છે. એસપીડીઆર ગોલ્ડ ફંડ ટ્રસ્ટની અનામતો બુધવારે0.2 ટકા ઘટીને 998.46 ટન રહી હતી. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામદીઠ રુ. 420ના કડાકામાં રુ. 48300 અને મુંબઇમાં રુ. 598 ગબડીને રુ. 46657 હતો. ચાંદી રાજકોટમાં કિલોએ રુ. 600 તૂટીને રુ. 63400 અને મુંબઇમાં રુ. 823 ઘટતા રુ. 62258 હતી.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer