નોન બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ બૉન્ડ ઈસ્યૂ દ્વારા ફરી મેદાનમાં ઉતરી

મુંબઈ, તા. 16 :  વર્ષ 2018માં આઈએલઍન્ડએફએસ નાણાકીય કટોકટીમાં સપડાઈ તેના ત્રણ વર્ષ બાદ નોન-બૅન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ (એનબીએફસી) ફરી પાટે ચઢી છે. આ કંપનીઓએ આ વેળા વધુ ફાયદામાં છે, કારણ કે તેઓ અગાઉના કરતા ઓછા વ્યાજ દરે બોન્ડનું વેચાણ કરીને ભંડોળ એકત્ર કરવા માગે છે.  
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ અને એડલવિસે રિટેલ રોકાણકારોને બોન્ડ્સનું વેચાણ શરૂ કર્યું છે. પિરામલ કૅપિટલ એન્ડ હાઉસિંગ, મુથૂટ ફાઈનાન્સ, મુથૂટ ફિનકોર્પ, ઈન્ડલ મની, પાવર ફાઈનાન્સ કોર્પોરેશન, મન્નાપુરમ ફાઈનાન્સ અને જેએમ ફાઈનાન્સિયલ્સ આવતા ડિસેમ્બર સુધીમાં રૂા.10,000 કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવા ધારે છે.   
મુથૂટ ફાઈનાન્સના ચીફ ફાઈનાન્સિયલ અૉફિસર ઓમેન કે મામેને કહ્યું કે, રસીકરણમાં ઝડપ આવતા ધિરાણ માટેની માગ વધી છે. રોકાણકારોને સારા વ્યાજ દર મળતા હોવાથી તેઓ ફાયદામાં છે, ઉપરાંત તેમને લાંબા ગાળાના રોકાણ કરવા માટે વિકલ્પ છે. એનબીએફસીએ આ માર્ગ અપનાવો જોઈએ.  
મુથૂટ ફાઈનાન્સ બોન્ડ મારફતે રૂા.2,000 કરોડ એકત્ર કરશે, એમ સૂત્રોએ કહ્યું હતું. પબ્લિક ઈસ્યુમાં કંપની રિટેલ રોકાણકારો ઉપર વધુ ધ્યાન આપવાની છે.  
સામાન્ય રીતે પબ્લિક બોન્ડ્સના રોકાણકારોની ચાર વિભાગના હોય છે- રિટેલ, ધનિક વ્યક્તિ, સંસ્થાકીય રોકાણકારો અને કોર્પોરેટ્સ. મુથૂટ ફિનકોર્પ આગામી અઠવાડિયાઓમાં નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના ભરણા દ્વારા રૂા.500 કરોડ એકત્ર કરશે. કંપનીના ડિરેક્ટર જ્યોર્જ મુથૂટે કહ્યું કે, તહેવારની સીઝન આવતી હોવાથી તેમ જ રસીકરણનો વ્યાપ પણ વધતા અમે ધિરાણની માગમાં વધારો જોઈ રહ્યા છીએ. 
ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ રૂા.270 કરોડ એકત્ર કરશે. તેનું એકંદર લક્ષ્ય રૂા.1000 કરોડ એકત્ર કરવાનું છે. એડલવિસ ફાઈનાન્સિયલે રૂા.400 કરોડના બોન્ડના ઈસ્યુને બંધ રહ્યો છે, જેમાં કંપનીને નોંધપાત્ર બિડ્સ મળી છે.  જેએમ ફાઈનાન્સિયલના ઈન્સ્ટિટ્યૂશનલ ફિક્સ્ડ ઈનકમના મૅનાજિંગ ડિરેક્ટર અજય મંગલુનિયાએ કહ્યું કે, એનબીએફસી ક્ષેત્ર કપરા કાળમાંથી બહાર આવ્યું છે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer