આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાશે

આજે જીએસટી કાઉન્સિલની બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાશે
પેટ્રોલ-ડીઝલને પરોક્ષ વેરા હેઠળ મૂકવા માટે વિચારણા થશે
નવી દિલ્હી, તા. 16 : નાણાપ્રધાન નિર્મલા સીતારામનના નેજા હેઠળ આવતી કાલે 17 સપ્ટેમ્બરે ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) કાઉન્સિલની 45મી મિટિંગ લખનઉમાં યોજાશે. આ મિટિંગમાં પેટ્રોલ-ડીઝલને જીએસટી અંતર્ગત આવરી લેવામાં આવે તેવા અહેવાલો છે. આ પગલાં માટે રાજ્ય તેમ જ કેન્દ્ર સરકારે આવક ઉપર લાદતા કરની વ્યવસ્થિત ગોઠવણ કરવી પડશે.
ગયા વર્ષે માર્ચમાં કોવિડ મહામારીના ઉપદ્રવ બાદ આજની જીએસટી કાઉન્સિલની મિટિંગ 20 મહિના બાદ પહેલીવાર પ્રત્યક્ષ મળશે. આ મિટિંગમાં નાણાપ્રધાન ઉપરાંત રાજ્ય કક્ષાના નાણાપ્રધાન અનુરાગ ઠાકુર અને વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. મિટિંગમાં રાજ્યોમાં જીએસટી કમ્પનસેશનમાં થયેલા ઘટાડા બાબતે પણ ચર્ચા થઈ શકે છે.
બેઠકમાં પેટ્રોલ-ડીઝલને પરોક્ષ વેરા હેઠળ મૂકવા માટે વિચારણા કરવામાં આવે તેવી શક્યતા વરિષ્ઠ સરકારી અધિકારીએ વ્યક્ત કરી છે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલિયમ પેદાશો ઉપર એક જ રાષ્ટ્રીય વેરો લાગુ કરવા વિશે વિચારણા થશે અને તેનાથી ગ્રાહકોને સીધી રીતે લાગુ થતાં ભાવ અને સરકારની મહેસૂલી આવક સંદર્ભે મોટા ફેરફાર થવાની દિશામાં દ્વાર ખુલ્લા થશે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
અદાલતે પેટ્રોલિયમ પેદાશોને જીએસટી પ્રણાલી હેઠળ લાવવા માટે સૂચના આપ્યા બાદ આવતા શુક્રવારની જીએસટીની બેઠકમાં આ વિષયે  નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં ચર્ચા થશે, એમ તેમણે 
જણાવ્યું હતું.
જીએસટી પ્રણાલીમાં કોઇપણ ફેરફાર કરવા માટે પેનલના 75 ટકા સભ્યોની મંજૂરી આવશ્યક હોય છે, પેનલમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ સામેલ છે. અમુક રાજ્યો પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ મૂકવા સામે વિરોધ કરી રહ્યા છે, તેમનું કહેવું છે કે રાજ્યોની મુખ્ય મહેસૂલી આવકનો મોટો હિસ્સો કેન્દ્ર સરકારની તિજોરીમાં જતો રહેશે અને રાજ્યોની આર્થિક સ્થિતિ ઉપર વિપરીત અસર પડશે. 
ઇંધણ ઉપર એક સમાન વેરો લાગુ કરવામાં આવે તો ગૅસોલિન અને ડીઝલના ભાવમાં ગ્રાહકો માટે મોટો ઘટાડો થઇ શકે. અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાછલા સમયગાળામાં સતત વધારો થવાના કારણે ફુગાવામાં ઉછાળો આવ્યો છે. ઇંધણના વેચાણ ઉપર રાજ્યો અને કેન્દ્રીય વેરા લાગુ થતાં હોવાથી તેના ભાવ સતત ઊંચા રહે છે.
દેશની ઇંધણની  કુલ આવશ્યકતામાં ગૅસોલિન અને પેટ્રોલનો હિસ્સો 50 ટકા કરતાં વધુ છે, ઇંધણના ભાવમાં પણ 50 ટકા કરતાં વધારે હિસ્સોવેરાઓનો છે.
આવતીકાલની બેઠકમાં વિવિધ જણસો અને સેવાઓ માટે ટૅક્સમાં ફેરફાર થવાની શક્યતા છે અને તેમાં ઇંધણને જીએસટી પ્રણાલી હેઠળ મૂકવાની સાથે ઝોમેટો અને સ્વીગી જેવી ખાદ્ય પદાર્થોની ડિલિવરી કરતી કંપનીઓ ઉપર રેસ્ટોરન્ટની જેમ 18 ટકા જેટલો જીએસટી લાગુ કરવાની બાબતો વિશે ચર્ચા થશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ સાથે કુલ 54 દરખાસ્તો વિશે વિચારણા થશે.
ફૂડ ડિલિવરી કરતી સેવા ઉપર જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવે તો કંપનીઓને 31 ડિસેમ્બર સુધીનો સમય તેમના ઍપમાં સુધારણા કરવા માટે આપવામાં આવે તેવી શક્યતા છે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer