કાંદિવલીમાં વાગ્દતા સાથે ઝઘડો થતાં યુવકે આત્મહત્યાની ધમકી આપતાં પોલીસ સક્રિય

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : કાંદિવલી (વેસ્ટ)માં ગુરુવારે પોલીસે એક યુવકને આપઘાત કરતો અટકાવવા દોડધામ કરી મૂકી હતી. દિનેશ ગુપ્તા નામના યુવકે પોલીસ કન્ટ્રોલમાં સવારે 11ની આસપાસ ફોન કરીને એવી જાણ કરી હતી કે મારો મારી મંગેતર સાથે ઝઘડો થયો છે અને તેથી હું અડધો કલાકમાં આપઘાત કરવાનો છું. 
આ કોલ આવતાં પોલીસ તરત કામે લાગી ગઈ હતી. ચારકોપ અને કાંદિવલી પોલીસ સ્ટેશનમાંથી 15 પોલીસોની ટીમે લોકેશન પ્રમાણે દિનેશ ગુપ્તાનું ઘર શોધવાની શરૂઆત કરી હતી. એક પોલીસે ફોન જોડી સંવાદમાં તેને બીઝી રાખ્યો હતો. 
કાંદિવલી પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર વિજય કંદરગાવકરે કહ્યું હતું કે મેં ફોન પર તેની સાથે સમજાવટથી વાત કરી હતી અને મારા બીજા સાથી પોલીસોએ તરત જ એનું લોકેશન શોધી કાઢ્યું હતું અને તેના ઘરે પહોંચી ગયા હતા. 
પોલીસ તેના ઘરે પહોંચી કે તેણે કહ્યું હતું કે મારી મંગેતર સાથોનો ઝઘડો હવે પતી ગયો છે અને હવે હું આપઘાત કરવાનો નથી. હું હવે નોકરીએ જાઉં છું અને મહેરબાની કરીને હવે મારી ફિકર ન કરતાં. પોલીસે આખી ઘટનાની નોંધ સ્ટેશન ડાયરીમાં કરી હતી.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer