પરમબીર સિંહની અરજી કોર્ટે કાઢી નાખી, ટ્રિબ્યુનલ માં જવાની સલાહ

મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : મહારાષ્ટ્ર સરકારે શરૂ કરેલી તપાસને રદ કરવા મુંબઈના માજી પોલીસ કમિશનર પરમબીર સિંહની અરજી મુંબઈ હાઈ કોર્ટે ગુરુવારે કાઢી નાખી હતી અને તેમને સેન્ટ્રલ ઍડ્મિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં ફરિયાદ નોંધાવવાની સલાહ આપી હતી. હાઈ કોર્ટની ડિવિઝન બૅન્ચે કહ્યું હતું કે પરમબીર સિંહની અરજીમાંની ફરિયાદ તેમની નોકરી સંબંધેની છે એટલે તેમણે  સેન્ટ્રલ ઍડ્મિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલનમાં જવું જોઈએ. 
પરમબીર સિંહે અરજીમાં એવી રજૂઆત કરી હતી કે મેં એ વખતના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા એને પગલે મારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, હાઈ કોર્ટે પરમબીર સિંહની આ દલીલને રિજેક્ટ કરી હતી. 
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટક સામગ્રી ભરેલી સ્કોર્પિયો પાર્ક કરેલી મળી આવી એ બાદ પરમબીર સિંહને મુંબઈ પોલીસ કમિશનરના પદેથી દૂર કરાયા હતા. એ બાદ તેમણે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખી અનિલ દેશમુખ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા. 
હાઈ કોર્ટે ગુરુવારે એના ચુકાદામાં કહ્યું હતું કે અરજદાર (પરમબીર સિંહ)નું કહેવું છે કે તેમણે દેશમુખ સામે સીબીઆઈ તપાસની ભલામણ કરી એને પગલે તેમની સામે સરકારે ઍકશન લીધા હતા. અરજદારનો આ દાવો પ્રાથમિક રીતે આધારભૂત નથી કારણે કે તેમની સામે પોલીસ ઈન્સ્પેકટર અનુપ ડાંગેએ કરેલી ફરિયાદના આધારે પગલાં લેવામાં આવ્યા છે. એન્ટિલિયા બૉમ્બ પ્રકરણ પહેલા ઈન્સ્પેકટર અનુપ ડાંગેએ પરમબીર સિંહ સામે ફેબ્રુઆરી 2021માં ફરિયાદ કરી હતી. 
ડિવિઝન બૅન્ચે કહ્યું હતું કે પરમબીરે ન્યાય માટે યોગ્ય મંચમાં રજૂઆત કરવાની જરૂર છે. તેમની મુખ્ય ફરિયાદ તેમની સામે શરૂ કરવામાં આવેલી તપાસ છે અને તેઓ તેમની ફરિયાદને યોગ્ય રીતે સેન્ટ્રલ ઍડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ સમક્ષ માંડી શકે છે. સરકારનાં પગલાં કાયદેસરના છે, ઔચિત્યભર્યા છે અને બરાબર છે કે કેમ એ સેન્ટ્રલ ઍડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ જ નક્કી કરી શકે છે. 
પરમબીર સિંહે મહારાષ્ટ્ર સરકારના બે આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યા હતા. એક આદેશમાં તેમની સામે ફરજમાં બેજવાબદારી બતાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને બીજા આદેશમાં તેમની સામે ભ્રષ્ટાચારનો આરોપ મુકાયો છે. પહેલો આદેશ એ વખતના ગૃહપ્રધાન અનિલ દેશમુખે એક એપ્રિલના પસાર કર્યો હતો અને બીજો આદેશ વર્તમાન ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે 20 એપ્રિલના આપ્યો હતો.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer