બોડી બિલ્ડર મનોજ પાટીલનો આત્મહત્યાનો પ્રયાસ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : ફિલ્મ અભિનેતા સાહિલ ખાન પર બોડી બિલ્ડર મનોજ પાટીલે આરોપ લગાવ્યો છે કે સાહિલ તેને માનસિક ત્રાસ આપી રહ્યો છે. બાદમાં મનોજ પાટીલે બુધવારે રાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તેણે ઘરમાં એક સુસાઇડ નોટ પણ મૂકી હતી.
મનોજ પાટીલ મિસ્ટર ઇન્ડિયા વિજેતા  અને બોડી બિલ્ડર છે. મુંબઇમાં ઓશિવરાના ઘરમાં તેણે ઊંઘની દવાઓ ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પરિવાર અનુસાર મનોજની સારવાર કૂપર હોસ્પિટલમાં ચાલી રહી છે.હાલ તેની તબિયત સ્થિર છે.
પાટીલે પોતાની સુસાઇડ નોટમાં માનસિક ત્રાસ અને બદનામીને પગલે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવ્યું છે. મોત માટે જવાબદાર અભિનેતા સાહિલ ખાનનું નામ લખ્યું છે. મનોજ પાટીલના પરિવાર અનુસાર પાટીલે સાહિલ ખાન વિરુદ્ધ ઓશિવરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે જેમાં તેણે સાહિલ ખાન તેને હેરાન કરી રહ્યો હોવાનો ઉલ્લેખ છે. મારી ન્યૂટ્રિશન શોપ વિશે ઇન્સ્ટાગ્રામ પર સાહિલ દુપ્રચાર કરે છે. મારી કારિકર્દી પૂર્ણ કરી દેવાની ધમકી આપી છે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer