દુષ્કાળના ઓછાયામાં બેઠેલા સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ કેમ થઈ?

ભાર્ગવ પરીખ તરફથી
અમદાવાદ, તા. 16 : આખાય ઓગસ્ટ મહિનામાં વરસાદ માટે તરસતા રહેલા સૌરાષ્ટ્રમાં અચાનક સાંબેલાધાર વરસાદથી ખેતી અને પશુ ધનને મોટું નુકશાન થયું છે, પણ અચાનક આવા ભારે વરસાદ પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં વારંવાર થઇ રહેલા લો પ્રેશર પશ્વિમ તરફ આગળ વધવાને કારણે સૌરાષ્ટ્રમાં અચાનક ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. 
સ્કાય મેટના હવામાન શાસ્ત્રી મહેશ પલાવતે `જન્મભૂમિ' સાથેની વાતચીતમાં કહ્યું કે શનિવારે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર પહેલાં રાજસ્થાન તરફ વળી રહ્યું હતું અને હવે આ પ્રેશર પશ્વિમ તરફ વળી જતાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ શરૂ થયો છે. ઓગસ્ટમાં આ લો પ્રેશરની અસર ગુજરાત તરફ ન હતી એટલે વરસાદ ઓછો પડ્યો હતો અને દુષ્કાળ જેવી સ્થિતિ હતી, પણ બંગાળની ખાડીમાં વારંવાર સર્જાયેલા લો પ્રેશર બાદ એને દિશા બદલી પશ્ચિમ તરફ આવ્યું છે એટલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે . 
ચોમાસામાં બંગાળની ખાડીથી રાજસ્થાન સુધી જે લો પ્રેશર સર્જાય અને વરસાદ આવે છે એને  `મોન્સૂન ટ્રફ' કહેવાય છે , આ મોન્સૂન ટ્રફ સમયે જે દિશામાં લો પ્રેશર સર્જાય ત્યાં વરસાદ પડે છે, આ વખતે રાજસ્થાન તરફ સર્જાયેલું લો પ્રેશર પશ્ચિમની દિશામાં વળી ગયું છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે કારણકે ઓડિસામાં બનેલું ડીપ ડિપ્રેશન માત્ર બે દિવસમાં લો પ્રેશરમાં પશ્ચિમ તરફ ફેરવાઈ ગયું છે, જેના કારણે પહેલાં મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો અને આ લો પ્રેશર હવે દિશા બદલીને રાજસ્થાન તરફ જતું હતું પણ પશ્વિમ તરફ ફંટાઈ જવાને કારણે હમણાં સુધી દુષ્કાળ જેવી સ્થિતિમાં રહેલા સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે જે 16 તારીખ સુધી ભારે વરસાદ રહેશે, ત્યારબાદ વરસાદ પડશે પણ એની તીવ્રતા થોડી ઓછી થઇ જશે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer