પાટીદાર-ઓબીસી સમાજને સિંહભાગ

પ્રધાનમંડળમાં બંનેના 7-7 સભ્યો : સીએમ સહિત 13 વિધાયક પહેલી જ વારમાં પ્રધાન
અમદાવાદ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાતમાં આજે નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યોની ટીમ જાહેર થઇ છે. જેમાં આગામી 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને જ્ઞાતિ આધારિત સમીકરણો ગોઠવવામાં આવ્યા છે. જે અનુસાર, સૌથી વધુ પટેલ અને ઓબીસી સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આજે જાહેર થયેલા મંત્રી મંડળમાં સૌથી વધુ 70 વર્ષની વય ધારાવતા વલસાડના પારડી બેઠકના ધારાસભ્ય કનુભાઇ દેસાઇ છે જ્યારે સૌથી નાની 38 વર્ષની વય ધરાવતા સુરતના મજુરા બેઠક પરના ધારાસભ્ય હર્ષ સંઘવી છે.
આ ઉપરાંત પ્રથમ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રી સહિત 13 ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થાય છે. આજે જાહેર થયેલા મંત્રીમંડળમાં દક્ષિણ ઝોનના 7, મધ્ય ગુજરાત ઝોનના 5, ઉત્તર ગુજરાત ઝોનના મુખ્યમંત્રી સહિત 6 અને સૌરાષ્ટ્ર ઝોનના 7 ધારાસભ્યોનો સમાવેશ કરાયો છે. આમ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોનનો દબદબો રહ્યો છે. જેને લઇને મંત્રીમંડળનું કદ મુખ્યમંત્રી સહિત 25 સભ્યોનું થયું છે.  
પટેલ અને ઓબીસી સમાજના  7-7 સભ્યોને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા છે. જેમાં પટેલ સમાજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જીતુભાઇ વાઘાણી, ઋષિકેશ પટેલ, રાધવજી પટેલ, બ્રિજેશ મેરજા, અરવિદ રૈયાણી અને વિનોદભાઇ મોરડિયાનો સમાવેશ થાય છે. એ જ રીતે 7 પટેલ મંત્રીઓમાં 6 લેઉઆ પટેલ અને એક કડવા પટેલનો સમાવેશ થાય છે. મંત્રીમંડળમાં સાવિષ્ટ કરાયેલા 7 ઓબીસી મંત્રીઓમાં પૂર્ણેશ મોદી, અર્જુનાસિંહ ઉદાસિંહ ચૌહાણ, મુકેશ પટેલ, દેવાભાઇ માલમ, જગદીશ પંચાલ, ગજેન્દ્રાસિંહ પરમાર અને રાઘવજીભાઇ મકવાણાનો સમાવેશ થાય છે.  
એ જ રીતે એસટીના 4, એસસીના 2, બ્રાહ્મણ 2 ક્ષત્રિય 2 અને વણિક જૈનના 1 ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એસટીના 4 ધારાસભ્યોમાં કુબેર ડીંડોર, નીમિષાબેન સુથાર, જીતુભાઇ ચૌધરી અને નરેશ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે 2 એસસી ધારાસભ્યોમાં પ્રદિપ પરમાર અને  મનિષાબેન વકીલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 2 બ્રાહ્યણ ધારાસભ્યોમાં રાજેન્દ્ર ત્રિવેદી અને કનુ દેશાઇ તેમજ 2 ક્ષત્રિય ધારાસભ્યોમાં કિરિટાસિંહ રાણા અને કિર્તાસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે. જ્યારે એક વણિક જૈન ધારાસભ્યમાં હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer