ગુજરાત સરકારની સંપૂર્ણ કાયાપલટ

`નો રિપીટ' સાથે ગુજરાતમાં ભાજપનો નવો પ્રયોગ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 16 : સિનિયર નેતાઓનાં રિસામણા- મનામણાના દોર અને અટકળો-અફવાઓ વચ્ચે અંતે ગુજરાતમાં નો રિપીટ થિયરી મુજબ જ નવાં મંત્રી મંડળનું સફળતાપૂર્વક ગઠન થયું છે.
 આજે ટીમ ભૂપેન્દ્ર પટેલમાં 10 કેબિનેટ કક્ષાના અને રાજ્ય કક્ષાનો પણ સ્વતંત્ર હવાલો ધરાવતા પાંચ અને રાજ્ય કક્ષાના નવ  મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા અને રૂપાણી સરકારમાં મંત્રી રહેલા તમામના પત્તાં ધારણા મુજબ કપાયાં હતાં. પાટીદારો અને ઓબીસીનું વર્ચસ્વ ધરાવતા નવાં મંત્રી મંડળની શપથવિધિ બાદ ખાતાં ફાળવણીમાં નંબર-ટુ  ગણાવાયેલા રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ અને કાયદો, જીતુભાઇ વાઘાણીને શિક્ષણ, કનુભાઇ દેસાઇને નાણાં, ઋષિકેશ પટેલને આરોગ્ય અને પાણી પુરવઠા, રાઘવજી પટેલને કૃષિ, પૂર્ણેશ મોદીને માર્ગ-મકાન મંત્રાલય સોંપાયાં હતાં, જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ, ઉદ્યોગ, નર્મદા સહિતનાં મહત્ત્વનાં ખાતાં પોતાની પાસે રાખ્યાં છે. રાજભવન ખાતે આચાર્ય દેવવ્રતે મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યાહતા.
ભુજ (કચ્છ)ના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યને  કાર્યવાહક સ્પીકર બનાવાયા છે. શપથવિધિમાં રૂપાણી, નીતિન પટેલ સહિત તમામ સિનિયર પૂર્વ મંત્રીઓ ઉપસ્થિત હતા.
મંત્રી બનાવાયેલા 7 પાટીદારોમાં 4 લેઉઆ અને 3 કડવા પટેલ છે. આ મંત્રી મંડળમાં એક મુખ્યમંત્રી ઉપરાંત અન્ય 6 પાટીદાર મંત્રીઓને સામેલ કરાયા છે. 
આ ઉપરાંત ઓબીસીના પણ 7 મંત્રીઓને મંત્રીપદ અપાયું છે. આદિવાસી સમાજના 4, અનુસૂચિત જાતિના 2, ક્ષત્રિય સમાજના 2, બ્રાહ્મણમાંથી 2 અને જૈન સમાજમાંથી એક મંત્રીને સ્થાન અપાયું છે. બે મહિલાઓને પણ મંત્રી બનાવાયાં છે. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં પ્રધાનમંડળમાં માત્ર એક જ મહિલા વિભાવરીબેન દવે મંત્રી હતાં, તેની જગ્યાએ ભૂપેન્દ્ર પટેલનાં મંત્રી મંડળમાં મનીષાબેન વકીલ અને નીમિષાબેન સુથારનો સમાવેશ કરાયો છે.  
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer