હાઈ કોર્ટે સલમાન ખાનને જવાબ નોંધાવવાની સૂચના આપી

હાઈ કોર્ટે સલમાન ખાનને જવાબ નોંધાવવાની સૂચના આપી
કમાલ આર. ખાનની અરજી
મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : અભિનેતા સલમાન ખાન, તેની ફિલ્મો અને તેની કંપનીઓ વિશે કોઈપણ જાતની ટિપ્પણી કરવા પર કોર્ટે સ્વયં ઘોષિત ફિલ્મ ક્રિટિક કમાલ આર. ખાન પર રોક લગાવી છે અને કોર્ટના આ ચુકાદા સામે તેણે મુંબઈ હાઈ કોર્ટમાં અપીલ કરી છે. હાઈ કોર્ટે ગુરુવારે અભિનેતા સલમાન ખાનને નોટિસ ફટકારી કમાલ ખાનની અરજી વિશે જવાબ નોંધાવવાની સૂચના આપી છે. 
હાઈ કોર્ટની પિટિશનમાં કમાલ આર. ખાને કહ્યું છે કે ફિલ્મ દર્શકો ફિલ્મ અને એનાં પાત્રો વિશે ટિપ્પણી કરી શકે છે અને એના પર કોઈ રોક લગાવી ન શકે. નીચલી કોર્ટે આવી ટિપ્પણી પર બૅન મૂક્તો અૉર્ડર પસાર કરવાની જરૂર જ નહોતી. સલમાન ખાન વિરુદ્ધ હું અંગત ટિપ્પણી ન કરું એ માટે કોર્ટ મને અટકાવી શકે છે, પણ સલમાન ખાનની ફિલ્મોની વાજબી ટીકા કરતા કોર્ટે મને અટકાવવો ન જોઈએ. 
હાઈ કોર્ટની સિંગલ બૅન્ચે ગુરુવારે સલમાન ખાન, તેની પ્રોડક્શન કંપની સલમાન ખાન વેન્ચર્સ અને અન્યોને નોટિસ ફટકારી અરજી વિશે જવાબ ફાઈલ કરવાનો આદેશ આપ્યો હતો. 
સલમાન ખાનની રાધે ફિલ્મ અને અભિનેતાના અમુક વીડિયો અને કૉમેન્ટ્રીને લઈ કમાલ ખાનની ટિપ્પણી સામે સલમાને વાંધો ઉઠાવ્યો હતો અને કમાલ આર. ખાન સામે બદનક્ષીનો દાવો કોર્ટમાં ફાઈલ કર્યો હતો. જૂનમાં કોર્ટે વચગાળાનો આદેશ પસાર કરી કમાલ ખાન પર ટિપ્પણી કરવા પર રોક લગાવી હતી. કમાલ આર. ખાને કોર્ટના આ આદેશને હાઈ કોર્ટમાં પડકાર્યો છે. કમાલ ખાનનું કહેવું છે કે નીચલી કોર્ટે મારા મોઢાને તાળું મારી દીધું હોય એવો અૉર્ડર આપ્યો છે. 
તેણે અરજીમાં કહ્યું છે કે સલમાનની ઉંમર અત્યારે પંચાવન વર્ષની છે અને રાધે ફિલ્મમાં એ જાણે કોઈ જુવાનિયો હોય એ રીતે તેણે ભૂમિકા ભજવી છે.  હાઈ કોર્ટ બે સપ્તાહ બાદ આ કેસની વધુ સુનાવણી કરશે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer