હું વ્યસ્ત રહેતી હોવાથી પતિ કુન્દ્રાની પ્રવૃત્તિ તરફ મારું ધ્યાન નહોતું : શિલ્પા શેટ્ટી

હું વ્યસ્ત રહેતી હોવાથી પતિ કુન્દ્રાની પ્રવૃત્તિ તરફ મારું ધ્યાન નહોતું : શિલ્પા શેટ્ટી
રાજ કુન્દ્રાના કેસમાં શિલ્પા શેટ્ટી સાક્ષી
મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : બીભત્સ વીડિયો બનાવવાના કેસમાં પોલીસે આશરે 1500 પાનાંની પૂરક ચાર્જશીટ બુધવારે કોર્ટમાં ફાઈલ કરી હતી અને આ પ્રકરણમાં અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા (46) પણ એક આરોપી છે. આ કેસમાં શિલ્પા શેટ્ટીને એક સાક્ષી પોલીસે બનાવી છે. પોલીસને આપેલા નિવેદનમાં શિલ્પા શેટ્ટીએ કહ્યું છે કે હું મારા પોતાના કામમાં એટલી બીઝી રહેતી હતી કે રાજ કુન્દ્રા શું કરતો હતો એના તરફ મારું ધ્યાન પણ ગયું નહોતું. 
ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ બીડવામાં આવ્યું છે. નિવેદનમાં શિલ્પાએ પોલીસને કહ્યું હતું કે મને હોટશોટ કે પછી બૉલીવૂડ ફેમ નામની મોબાઈલ ઍપ વિશે પણ કંઈ ખબર નથી. 
આ બન્ને ઍપ પરથી રાજ કુન્દ્રા અને તેના સાથીઓ બીભત્સ વીડિયો બનાવી તેને સર્ક્યુલેટ કરતા હતા. 
અભિનેત્રી શેર્લીન ચોપરાએ પોલીસ નિવેદનમાં કહ્યું હતું કે રાજ કુન્દ્રાએ મને કોઈ પણ જાતના ખંચકાટ વગર હોટશોટ ઍપ માટે કામ કરવાની અૉફર કરેલી. હોટશોટમાં આપણે વધુ બોલ્ડ વીડિયો મૂકશું એવું પણ મને કહેવામાં આવેલું, પણ મે ના પાડી દીધી હતી. મેં આર્મ્સપ્રાઈમ કંપની સાથે એક કૉન્ટ્રેક્ટ સાઈન કર્યો હતો. આ કૉન્ટ્રેક્ટ પ્રમાણે કંપની `ધ શેર્લીન ચોપરા ઍપ' તૈયાર કરવાની હતી. આ કંપનીમાં રાજ કુન્દ્રા પણ એક ડિરેક્ટર હતો. કરાર પ્રમાણે આવકનો 50 ટકા હિસ્સો મને મળવાનો હતો, પણ મને કોઈ રકમ મળી નહોતી. 
સેજલ શાહ નામની અન્ય એક સાક્ષીએ કહ્યું હતું કે માર્ચ 2020માં લૉકડાઉનના કાળમાં મે હોટશોટ ઍપ માટે ત્રણ વીડિયો બનાવ્યા હતા. એ બાદ યશ ઠાકુર (આ કેસનો એક આરોપી)એ મને એક ફિલ્મમાં કામ કરવાની અૉફર કરી હતી. હૉલીવૂડની ફિલ્મ પરથી આ ફિલ્મ બનવાની હતી અને એમાં અમુક બોલ્ડ અને બીભત્સ સીન હતા. મને કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ ભારતમાં રિલીઝ કરવામાં નહીં આવે, પણ એ કરાઈ હતી. મેં આ સીન કાઢી નાખવા યશ ઠાકુરને કહ્યું તો તેણે ના પાડી દીધી હતી. યશ ઠાકુર સિંગાપોરનો રહેવાસી છે. તે અને લંડનનો પ્રદીપ બક્ષી આ કેસમાંના વૉન્ટેડ આરોપી છે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer