કરવેરાની વસૂલાતના અધિકાર ઉપર તરાપનો વિરોધ : અજિત પવાર

કરવેરાની વસૂલાતના અધિકાર ઉપર તરાપનો વિરોધ : અજિત પવાર
મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના કરવેરા વસૂલ કરવાના અધિકાર ઉપર તરાપ મારવાની હિલચાલની અમે વિરુદ્ધ છીએ. આવતા શુક્રવારે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં અમે અમારો અભિપ્રાય રજૂ કરશું, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે જણાવ્યુ હતુ.
શુક્રવારે લખનઊમાં મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ પ્રોડક્ટસ ઉપર જીએસટી લાગુ પાડવાની વિચારણા થઈ શકે છે એવી સંભાવના અંગે અજિત પવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને કરવેરા લાદવાનો અધિકાર છે. જોકે, રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં છેડછાડ કે અતિક્રમણ થવું જોઈએ નહીં. જો આ પ્રકારની હિલચાલ હોવાનું માલૂમ પડશે તો રાજ્ય સરકાર આવતી કાલે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પોતાનો અભિપ્રાય રજૂ કરશે. દેશમાં `એક રાષ્ટ્ર, એક કર'એ અનુસાર ગુડસ ઍન્ડ સર્વિસ ટૅક્સ લાગુ પાડવામાં આવ્યો ત્યારે કેન્દ્ર સરકારે જે ખાતરીઓ આપી હતી તેનું પાલન થવું જોઈએ. મહારાષ્ટ્રને જીએસટીના રિફંડના હિસ્સા પેટે હતી. રૂા. 30,000થી રૂા. 32,000 કરોડ જેટલી રકમ મળવાની બાકી છે. એક્સાઈઝ અને સ્ટૅમ્પ ડયૂટીને બાદ કરતા જીએસટી એ મહારાષ્ટ્રની આવકનો એક મહત્ત્વનો સ્રોત છે. ચાલુ સપ્તાહની શરૂઆતમાં અમે નીતિ આયોગ સાથેની  બેઠકમાં આ વિશે અમે રજૂઆત કરી હતી, એમ અજિત પવારે ઉમેર્યું હતું.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer