સત્ય સામે આવતાં વિપક્ષ ચૂપ : મોદી

સત્ય સામે આવતાં વિપક્ષ ચૂપ : મોદી
સેન્ટ્રલ વિસ્ટા હેઠળ સંરક્ષણ મંત્રાલયનાં બે કાર્યાલય ખુલ્લાં મૂકતાં વડા પ્રધાનના પ્રહાર
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 16 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલાં સંરક્ષણ મંત્રાલયનાં બે નવાં કાર્યાલયોનું ઉદ્ઘાટન કરતાં વિપક્ષી છાવણી પર આકરા પ્રહાર કર્યા હતા. દિલ્હીના કસ્તૂરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવેન્યૂ સ્થિત કાર્યાલયો ખુલ્લાં મૂકતાં મોદીએ જણાવ્યું હતું કે, સત્ય સામે આવતાં જ વિપક્ષના લોકો ચૂપ થઈ ગયા છે. 
તેમણે વિરોધપક્ષો પર નિશાન સાધતાં કહ્યું કે, સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પાછળ ડંડા લઈને પડેલા લોકો આ પ્રોજેક્ટ પર બિલકુલ ચૂપ રહ્યા છે. 
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, સંરક્ષણ રાજ્ય પ્રધાન અજય ભટ્ટ સહિત નેતાઓની હાજરીમાં મોદીએ જણાવ્યું હતું કે, અહીં કામ કરતા સાત હજારથી વધુ સૈન્ય અધિકારીઓ માટે નવી વ્યવસ્થા કરાઈ છે. 
આધુનિક કાર્યાલયો દેશની સુરક્ષા સાથે જોડાયેલાં દરેક કામનાં અસરકારક અમલીકરણ માટે મદદરૂપ થશે, તેવું તેમણે ઉમેર્યું હતું. 
સીડીએસ બિપિન રાવત તેમજ સશત્ર દળોના વડાઓની હાજરી વચ્ચે અધિકારીઓને સંબોધતાં વડાપ્રધાને કહ્યું કે, નવાં કાર્યાલય પરિસર દેશની સેનાઓનાં કામોને વધુ સુવિધાજનક બનાવશે. 
દિલ્હી માત્ર શહેર નથી, કોઈ પણ દેશની રાજધાની એ દેશની વિચારધારા, સંસ્કૃતિ, સામર્થ્ય, સંકલ્પનું પ્રતીક હોય છે, તેવું કહેતાં વડાપ્રધાને દિલ્હીમાં હજુ નવનિર્માણ વેગવાન કરવાનો સંકલ્પ દર્શાવ્યો હતો.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer