બૅડ બૅન્ક માટે કેન્દ્રની રૂા. 30,600 કરોડની ગેરેંટી

બૅડ બૅન્ક માટે કેન્દ્રની રૂા. 30,600 કરોડની ગેરેંટી
બૅન્કોનાં ફસાયેલાં નાણાંના સમાધાનની વ્યવસ્થા
નવીદિલ્હી, તા. 16 : ભારતનાં ખોટા થયેલાં કરજના ગંજને સાફ કરવા માટે `બેડ બેન્ક' રચવાની દિશામાં સરકારે આગળ વધવાની શરૂઆત કરી દીધી છે. બેન્કોનાં ફસાયેલાં ધિરાણનાં પુનર્ગઠન માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ચાલુ વર્ષના કેન્દ્રીય બજેટમાં બેડ બેન્કની ઘોષણા કરી હતી અને હવે તેનાં માટે 30,600 કરોડ રૂપિયાને મંજૂરી આપી દેવામાં આવી છે.
કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયની આજે નાણાપ્રધાન સીતારમણે જાણકારી આપી હતી. બેડ બેન્ક માટેની આ રકમ નેશનલ એસેટ રિ-કંસ્ટ્રક્શન કંપની લિમિટેડ (એનએઆરસીએલ) એટલે કે બેડ બેન્ક માટે સરકાર તરફથી આપવામાં આવેલી ગેરેંટી છે. આ બાંયધરી પાંચ વર્ષની અવધિ માટે વૈધ રહેશે. 
સીતારમણે કહ્યું હતું કે, આ પ્રકારની સમાધાન વ્યવસ્થા જે એનપીએની જૂની બાકી રકમનું સમાધાન કરે છે તેને સામાન્ય રીતે સરકારના સહકારની આવશ્યકતા હોય છે. તેનાથી બેન્કોની વિશ્વસનીયતા વધે છે અને બફરની ક્ષમતા પણ તૈયાર કરવામાં મદદ મળે છે. 
સરકાર તરફથી એનએઆરસીએલને 30,600 કરોડ રૂપિયાની સોવરેન ગેરેંટી આપવામાં આવશે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી મળી હતી. સીતારમણે કહ્યું કે, બેન્કો દ્વારા આપવામાં આવેલાં ધિરાણની ગુણવત્તાની સમીક્ષા વર્ષ 2015માં થઈ હતી. એ વખતે બેન્કો પાસે મોટાં પ્રમાણમાં ફસાયેલું કરજ (એનપીએ) દેખાયું હતું. 
તેમણે આગળ જણાવ્યું હતું કે, ગત છ વર્ષના ગાળામાં બેન્કોએ 5,01,479 કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. તેમાંથી 3.1 લાખ કરોડ રૂપિયા માર્ચ 2018 પછી રિકવર થયા છે. 2018-19માં 1.2 લાખ કરોડ વસૂલાયા છે.
શું છે બૅડ બૅન્ક ?
બેન્કોનાં ફસાયેલાં કરજના વહીવટ માટે જે બેડ બેન્ક બનાવવામાં આવશે તે વાસ્તવમાં એક સંપત્તિ સંચાલન કંપની હશે. તેનું નામ એનએઆરસીએલ છે. બેન્કોનાં ફસાયેલાં ધિરાણોના બદલામાં આ કંપની જે સિક્યોરિટી રિસીટ જારી કરશે તેના માટે સરકાર સોવરેન ગેરેંટી આપશે. બજેટમાં આનાં માટે 20 હજાર કરોડ રૂપિયાની ઘોષણા કરવામાં આવી હતી. બેન્કોની ફસાયેલી મિલકત આ બેડ બેન્ક સંભાળશે અને બેન્કોના એનપીએની વસૂલાતનું સમાધાન તે કરશે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer