ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંડળનો શપથવિધિ

ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંડળનો શપથવિધિ
રાજેન્દ્ર ત્રિવેદી નંબર ટુ : કનુભાઇ દેસાઇને નાણાં, વાઘાણીને શિક્ષણ : પટેલ-ઓબીસીનું પ્રભુત્વ અસંતોષની અટકળો વચ્ચે રૂપાણી-નીતિન પટેલ સહિત તમામ પૂર્વ પ્રધાનોની સમારંભમાં ઉપસ્થિતિ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 16 : ભૂપેન્દ્ર પટેલના પ્રધાન મંડળની રાજભવન ખાતે બપોરના 1.30 વાગે શપથવિધિની શરૂઆત થઈ હતી, જેમાં કેબિનેટ કક્ષાના પ્રથમ પાંચ મંત્રી તરીકે, પહેલી હરોળમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલે મંત્રીપદના શપથ લીધા હતા. કેબિનેટ મંત્રી તરીકે જ પણ બીજી હરોળમાં કનુ દેસાઇ, કિરીટાસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપભાઈ પરમાર, અર્જુન ચૌહાણે મંત્રીપદના શપથ લીધા હતા. આમ, પાંચ-પાંચની બે હરોળમાં કુલ 10 કેબિનેટ મંત્રીઓ સમાવાયા હતા.  
નોંધનીય બાબત એ છે કે, ગુજરાતનાં નવાં મંત્રી મંડળની શપથવિધિની પહેલી હરોળમાં સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને સામેલ કરાતાં થોડોક ગણગણાટ સંભળાયો હતો. એનું કારણ એ હતું કે, ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી થયા બાદ જે મંત્રીઓને સામેલ થવાની ચર્ચાઓ ચાલતી હતી, તેમાં ક્યારેય પૂર્ણેશ મોદીનું નામ ક્યાંય, કોઈપણ કક્ષાએ ચર્ચામાં જણાયું ન હતું. એટલે કે, તેમનું નામ કોઈ કદાવર નેતાના આગ્રહને કારણે છેલ્લી ઘડીએ લિસ્ટમાં સમાવાયું હશે તેવું મનાઇ રહ્યું છે. ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરતના સાસંદ અને કેન્દ્રિય મંત્રી દર્શનાબેન જરદોષના પ્રયત્નથી પૂર્ણેશ મોદીનો પ્રધાનમંડળમાં સમાવેશ કરાયો છે. 
શપથવિધિ પહેલાં વહેતાં થયેલાં નામોમાં ભરૂચના દુષ્યંત પટેલ, ડીસાના શશિકાન્ત પંડયા, ધારીના જે.વી.કાકડિયાનાં નામો વહેતાં થયાં હતાં, ત્યારે છેલ્લી ઘડીએ તેઓનાં નામો પ્રધાનમંડળમાંથી બાકાત કરવામાં આવતાં આશ્ચર્ય અનુભવાયું હતું. દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને નર્મદા જિલ્લો બે એવા છે કે જ્યાંથી આજે રચાયેલાં પ્રધાનમંડળમાં એકપણ ધારાસભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તો બીજી બાજુ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બે ધારાસભ્યો જીતુભાઇ ચૌધરી અને રાઘવજી પટેલનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગઇકાલ મોડી રાત સુધી આહીર સમાજ અને કોળી સમાજ દ્વારા તેમના પસંદગીના મંત્રીઓને મંત્રી મંડળમાં સમાવવામાં નહીં આવે તો ભાજપને પરિણામ ભોગવવાની ચીમકી આપવામાં આવી હતી. જો કે, ત્યારબાદ દિલ્હી સ્થિત ભાજપના ટોચના નેતાઓ દ્વારા જવાહર ચાવડા, કુંવરજી બાવળિયા સહિત વાસણ આહીરને ફોન કરીને સમજાવવામાં આવતાં મામલો થાળે પડી ગયો હતો. 
આજે જાહેર થયેલાં મંત્રી મંડળમાં સુરત શહેર અને જિલ્લો મળીને કુલ ચાર ધારાસભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે. એવું મનાઇ રહ્યું છે કે, સુરતમાં આપના વધતા જતા પ્રભાવને ખાળવા માટે સુરત શહેરના 3 ધારાસભ્યોનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, સુરત શહેરમાં આપના જ્યાંથી કોર્પોરેટરો ચૂંટાયા છે, ત્યાંથી કતાર ગામના ધારાસભ્ય વિનુ મોરડિયાને મંત્રીપદ આપવામાં આવ્યું છે. 
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer