ઇંગ્લૅન્ડનો પાકિસ્તાન પ્રવાસ પણ જોખમમાં

નવી દિલ્હી, તા.17: સુરક્ષાના ખતરાને ધ્યાને રાખીને ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ પહેલા વન ડેના પ્રારંભની ઠીક પહેલા જ રદ કર્યાંના ક્રિકેટ વિશ્વમાં ઘેરા પડધા પડયા છે. પાકિસ્તાનમાં લગભગ દોઢ દાયકા બાદ ક્રિકેટની વાપસી થઇ છે, જે ફરી ઘોંચમાં પડી શકે છે. પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિ અને આતંકી ખતરાને ધ્યાને લઇને કોઇ મોટી ટીમ પાક.નો પ્રવાસ ખેડવાનું દુ:સાહસ કરશે નહીં. ન્યુઝીલેન્ડનો પ્રવાસ રદ થયા બાદ હવે ઇંગ્લેન્ડની ટીમનો પણ પાક. પ્રવાસ ખતરામાં આવ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે આવતા મહિને પાક. ધરતી પર શ્રેણી રમવાની છે. જે હવે લગભગ રદ થશે. તેવા રિપોર્ટ છે. આ મામલે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ બોર્ડ (ઇસીબી) 48 કલાકમાં તેનો આખરી નિર્ણય લેશે તેવું જાણવા મળે છે.
ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનમાં બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ શ્રેણી ટી-20 વિશ્વ કપની તૈયારીના ભાગરૂપે આયોજિત થઇ છે. આ શ્રેણી આઇપીએલના પ્લેઓફ દરમિયાન રમાવાની છે. આ શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડની ટીમે તા. 9 ઓકટોબરે પાકિસ્તાન પહોંચવાનું છે. જ્યારે આઇપીએલના પ્લેઓફ મુકાબલા 10 ઓકટોબરથી શરૂ થઇ રહ્યા છે. આથી ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન સહિતના ખેલાડીઓની પ્લેઓફમાં હાજરી જોવા મળશે નહીં, તેવું અગાઉ જાહેર થયું હતું. હવે તેમાં ફેરફાર થઇ શકે છે. જો ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલના પ્લેઓફમાં પણ ઇંગ્લીશ ખેલાડી રમતા જોવા મળશે. ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલની ફ્રેંચાઇઝીઓને ફાયદો થશે. કારણ કે દરેક ટીમ સાથે ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓ જોડાયા છે. 
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer