સલામતી સામે જોખમ જોતાં ન્યૂ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો

સલામતી સામે જોખમ જોતાં ન્યૂ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમે પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો
તાલિબાનોને થાબડભાણા કરનાર ઇમરાન સરકારના ગાલે તમાચો
પ્રથમ વન ડેની ઠીક પહેલા નિર્ણય : શ્રેણી બચાવવા ઇમરાને કરેલી વિનંતી પણ ન્યૂ ઝીલૅન્ડ સરકારે કાને લીધી નહીં
રાવલપિંડી, તા. 17  : ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમે પ્રથમ વન ડેના પ્રારંભની ઠીક પહેલા જ સુરક્ષાના ખતરાને ધ્યાને લઇને પાકિસ્તાનનો વર્તમાન પ્રવાસ અચાનક જ રદ કરી દીધો છે. બન્ને દેશ વચ્ચે આજથી ત્રણ વન ડે મેચની શ્રેણી શરૂ થવાની હતી. આ પછી લાહોરમાં પાંચ મેચની ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝ આયોજિત થઇ હતી. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બદનામીથી બચાવ પાકિસ્તાને આ શ્રેણીને બચાવવા છેલ્લે સુધી પ્રયાસ કર્યાં હતા. ખુદ પાક. પીએમ ઇમરાનખાને ન્યુઝીલેન્ડના પીએમ સાથે ફોન કરી કાકલૂદી કરી હતી. પણ ઇમરાનાખાનને દાદ મળી ન હતી. ન્યુઝીલેન્ડના ખેલાડીઓ વહેલામાં વહેલી તકે પાકિસ્તાન છોડવા માંગે છે. રિપોર્ટ અનુસાર આજે રાત્રે જ કિવિ ખેલાડી સ્વદેશ જવા રવાના થશે. અફઘાનિસ્તાનમાં તખ્તાપલટ બાદ તાલિબાનોને થાબડભાણા કરનાર પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ ઘટનાક્રમથી શરમજનક સ્થિતિમાં મુકાઇ જવું પડયું છે.
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે અને પ્રેસ રીલિઝ બહાર પાડીને કહ્યં છે કે ન્યુઝીલેન્ડ સરકાર પાકિસ્તાનમાં ખેલાડીઓની સુરક્ષાને લઇને ચિંતિત હતી અને ન્યુઝીલેન્ડની સુરક્ષા એજન્સીએ આ પ્રવાસ આગળ ન વધારવાની સલાહ આપી હતી. એ પછી અમે પાક. પ્રવાસ રદ કરવાનો નિર્ણય લીધો છે. 
ન્યુઝીલેન્ડ પ્લેયર્સ એસો.ના ચીફ વ્હાઇટે પણ કહ્યં હતું કે અમે આ નિર્ણયનું પૂરું સમર્થન કરીએ છીએ. ખેલાડીઓની સુરક્ષા સૌથી ઉપર છે.
આ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી એવું બયાન આવ્યું હતું કે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે સુરક્ષા વ્યવસ્થાથી ચિંતા વ્યકત કરી હતી. બાદમાં પીસીબીએ આ જાણ પાક. સરકારને કરી હતી. આથી પાક. સરકાર હરકતમાં આવી હતી. પીએમ ઇમરાનખાને જ સીધી દરમિયાનગીરી કરીને ન્યુઝીલેન્ડના પીએમ સાથે ફોન પર વાત કરી પ્રવાસ ચાલુ રાખવા વિનંતી કરી હતી. જો કે તેની કોઇ અસર થઇ ન હતી.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer