ડૉલર ઉછળતાં સોના-ચાંદીમાં કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 17 : વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ આગલા ટ્રાડિંગ સેશનમાં 3 ટકા જેટલો તૂટીને 1757 ડોલર પ્રતિ ઔંસ સુધી બોલાઇ ગયા પછી સામાન્ય રિકવરી આવતા 1766 ડોલરના સ્તરે રનીંગ હતો. ડોલરના મૂલ્યમાં તેજી આવવાને લીધે સોનું ઝડપભેર તૂટી પડ્યું છે. ફેડરલ રિઝર્વની બેઠક આવતા સપ્તાહે મળવાની છે એ પૂર્વે ફંડોની ભારે વેચવાલી નીકળી પડી હતી. ચાંદીનો ભાવ પણ તૂટીને 23.08 ડોલરની સપાટીએ ગયો હતો. 
અમેરિકામાં ઓક્ટોબર મહિના દરમિયાન રિટેઇલ વેચાણના આંકડાઓની જાહેરાત થઇ હતી જે આશ્ચર્યજનક રીતે મોટાં ઉછાળા સાથે વધી જતા ડોલરના મૂલ્યમાં તેજી જોવા મળી હતી અને સોનું તૂટ્યું હતુ. ફેડ દ્વારા ઉદ્દીપક પેકેજો પૈકીના કેટલાક સમય કરતા વહેલા પાછા ખેંચી લેવાશે તેવું જણાવા લાગતા બજારમાં ગભરાટ વધી ગયો છે. ડોલરનું મૂલ્ય ત્રણ સપ્તાહની ઉંચી સપાટીએ હતુ.  
ફેડની બેઠક પર ઝાઝો આધાર રાખવામાં આવી રહ્યો છે પરંતુ ફેડ સાવ ચીલાચાલુ નિવેદન બેઠકને અંતે આપે એવી શક્યતા દેખાય છે. જોકે ફેડના ડરને લીધે ચાલુ સપ્તાહમાં સોનાના ભાવમાં 40 ડોલરનો ઘટાડો થઇ ગયો છે. વિષ્લેષકોના કહેવા પ્રમાણે સોનામાં નીચાં મથાળે શોર્ટ કવરીંગ પણ જોવા મળી રહ્યું છે એ કારણે 1750 ડોલરની સપાટી સોનું જોઇ શક્યું નથી. ફેડ જ્યાં સુધી અર્થતંત્રને ટેકો આપવાનું ચાલુ રાખશે ત્યાં સુધી જ સોનામાં સલામત રોકાણની માગ ચાલુ રહેવાની છે. પગલાં પાછા ખેંચાય એટલે સોનું તૂટશે એ નક્કી માનવામાં આવે છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રુ. 250ના કડાકામાં રુ. 48050 અને ચાંદી કિલોએ રુ.1000 તૂટતા રુ. 62400 હતી. મુંબઇમાં સોનું રુ. 347 ઘટી રુ. 46310 અને ચાંદી રુ. 1127ના ઘટાડામાં રુ. 61131 હતી.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer