સ્પેશિયાલિટી કેમિકલ્સની માગ 12 ટકાના દરે વધવાની ધારણા

મુંબઈ, તા. 17 : વૈશ્વિક સ્તરે મહામારીની સ્થિતિ અને પુરવઠા શૃંખલામાં અનિશ્ચિતતા છતાં, સ્પેશિયાલિટી કેમિકલ્સ અને કેમિકલ ઈન્ટરમિડિયરીસની સ્થાનિક માગ આ વર્ષે 12 ટકાના દરે વધવાની ધારણા ઉદ્યોગ સૂત્રોએ વ્યક્ત કરી છે. ચીનમાં પુરવઠા શૃંખલા ભાંગી પડવા ઉપરાંત અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીન વચ્ચે વેપાર સંઘર્ષને ધ્યાનમાં રાખતાં સ્થાનિક ઉદ્યોગ પાસે વિશાળ તકો છે.  ચીન દ્વારા અપનાવવામાં આવેલા પ્રદૂષણ વિરોધી પગલાંથી પણ સ્થાનિક ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. 
ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યા પ્રમાણે અન્ય કેમિકલ સેગમેન્ટની સ્પેશિયાલિટી કેમિકલ્સની માગ નોંધપાત્ર ઉછાળો વધવાની ધારણા છે.  નવી ટેકનૉલૉજીએ સ્પેશિયાલિટી ક્ષેત્રના નવા વપરાશને વધાર્યો છે. સ્વદેશી રસાયણ ઉદ્યોગમાં 80,000થી વધુ એકમો છે જેઓ બલ્ક કેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ ઈન્ટરમિડિયરીસ, પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ, એગ્રોકેમિકલ્સ અને ખાતરનું ઉત્પાદન કરે છે. 
એગ્રો-કેમિકલ્સના ઉત્પાદનમાં ભારત અમેરિકા, જપાન અને ચીન પછી ચોથા ક્રમે છે.  ડાયસ્ટફ્સ અને ડાય ઇન્ટરમિડિયેટ્સના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો 16 ટકા છે. કેમિસ્ટાર કૉર્પોરેશનના મૅનાજિંગ ડિરેક્ટર કેતન પટેલે કહ્યું કે, `પ્લાસ્ટિકના ઉત્પાદનમાં કેમિકલ ઈન્ટરમિડિયરીસનો ઉપયોગ વ્યાપક વધ્યો છે.' એનલિસ્ટ સંજય પિંગલેએ કહ્યું કે, ભારત વૈશ્વિક સ્તરે રસાયણની નિકાસમાં 14મું અને આયાતમાં આઠમું સ્થાન ધરાવે છે. સ્થાનિક માગમાં વૃદ્ધિ અને રસાયણના ભાવ વધતાં નફો વધવાથી નાના અન મધ્યમ એકમો (એસએમઈ) આ વર્ષ 2022માંથી 20થી 22 ટકાની આવક વૃદ્ધિ મેળવશે. 
છેલ્લાં કેટલાંક વર્ષથી  અતુલ, દીપક નાઇટ્રાઇટ, કેમિસ્ટાર, સુદર્શન અને આરતી સહિતની ઘણી ટોચની કંપનીઓ તેમના કેમિકલ ઈન્ટરમિડિયેટ ઉત્પાદનને વધારવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે.  તે ઉપરાંત, કાચા માલની સરળ ઉપલબ્ધતા પણ આગામી વર્ષોમાં કેમિકલ ઈન્ટરમિડિયેટની જરૂરિયાત વધારશે, એમ પિંગલેએ જણાવ્યું હતું. સ્થાનિક રસાયણ ઉદ્યોગનું કદ વર્ષ 2019માં 178 અબજ યુએસ ડૉલર હતું અને વર્ષ 2025 સુધીમાં 300 અબજ યુએસ ડૉલર અને સ્થાનિક માગ વર્ષ 2025 સુધીમાં વાર્ષિક 9 ટકાના દરે વૃદ્ધિ થવાની ધારણા છે.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer