સાત મેગા ટેક્સ્ટાઇલ પાર્ક્સની સ્કીમને પખવાડિયાની અંદર મંજૂરી મળવાની શક્યતા

સાત મેગા ટેક્સ્ટાઇલ પાર્ક્સની સ્કીમને પખવાડિયાની અંદર મંજૂરી મળવાની શક્યતા
નવી દિલ્હી, તા. 17 (એજન્સીસ): સાત મેગા ઇન્વેસ્ટમેન્ટ ટેક્સ્ટાઇલ પાર્ક્સ (મિત્રા) તૈયાર કરવાની સૂચિત સ્કીમને આવતા પખવાડિયામાં કૅબિનેટની મંજૂરી મળી જવાની શક્યતા છે. ટેક્સ્ટાઇલ મંત્રાલયની દરખાસ્ત અન્વયે આગામી ત્રણ વર્ષમાં 1000 એકરથી વધુ જગ્યામાં આ પાર્ક્સ ઊભા કરાશે. ચીન અને વિયેટનામમાં આવા જ પાર્ક છે અને તેનું અનુસરણ કરાશે. આમાં ઇન્ટીગ્રેટેડ સવલતો જેવી કે તૈયાર મૂળભૂત સુવિધાઓ અને પરિવહનનો ખર્ચ ઓછામાં ઓછો કરવા ક્વિક ટર્ન અરાઉન્ડ ટાઇમ જેવી સવલત હશે. આનો હેતુ જંગી પ્રમાણમાં મૂડીરોકાણ આકર્ષવાનો છે.
અત્રે અવિરત વીજપુરવઠો અને અવિરત પાણીપુરવઠો મળશે. સામાન્ય સુવિધાઓ સાથે સંશોધન અને વિકાસ માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાનમંડળે તાજેતરમાં ટેક્સ્ટાઇલ ક્ષેત્ર માટેની રૂા. 10,683 કરોડની પ્રોડક્શન-લિન્કડ સ્કીમ (પીએલએસ)ને મંજૂરી આપી હતી. હવે ટેક્સ્ટાઇલ ક્ષેત્રના મેગા પાર્કને પ્રધાનમંડળ મંજૂરી આપશે, એમ ટેક્સ્ટાઇલ સેક્રેટરી ઉપેન્દ્ર પ્રસાદસિંઘે જણાવ્યું હતું. આથી રૂા. 19,000 કરોડથી વધુનું નવું રોકાણ આકર્ષી શકાશે.
એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2020 સુધીમાં ભારતના ટેક્સ્ટાઇલ ક્ષેત્રને માત્ર રૂા. 20468.62 કરોડ (3.4 અબજ ડૉલર)નું વિદેશી સીધું રોકાણ મળ્યું હતું જે આ ગાળામાં ભારતમાં થયેલા કુલ વિદેશી સીધા રોકાણ (એફડીઆઈ)નો માત્ર 0.69 ટકા હિસ્સો હતો.
સ્કીમ ફોર ઇન્ટીગ્રેટેડ ટેક્સ્ટાઇલ પાર્ક (એસઆઈટીપી) હેઠળ 59 ટેક્સ્ટાઇલ પાર્ક્સને મંજૂરી અપાઈ હતી પણ માત્ર 23 ટેક્સ્ટાઇલ પાર્ક જ પૂરા થયા છે. આ વિલંબનું કારણ જમીન હસ્તગત કરવામાં અને અન્ય કાનૂની મંજૂરીઓ મેળવવામાં થયેલો વિલંબ મનાય છે.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer