ચીનની ચોરી પકડાતાં વૈશ્વિક સપ્લાય ચેઈન ભારત તરફ વળવાની શક્યતા

ચીનની ચોરી પકડાતાં વૈશ્વિક સપ્લાય ચેઈન ભારત તરફ વળવાની શક્યતા
વર્લ્ડ બૅન્ક `ઈઝ અૉફ ડૂઈંગ બિઝનેસ રિપોર્ટ' આપવાનું બંધ કરશે
નવી દિલ્હી, તા. 17 (એજન્સીસ): વર્લ્ડ બૅન્ક વિવિધ દેશોમાં ઉદ્યોગ-ધંધો કરવાની સરળતાનું પ્રમાણ સૂચવતો ઈઝ અૉફ ડુઈંગ રિપોર્ટ બિઝનેસ રિપોર્ટ આપવાનું બંધ કરશે. આ અહેવાલ તૈયાર કરવામાં ગેરરીતિઓ આચરાતી હોવાના આક્ષેપોના પગલે આ નિર્ણય લેવાયો છે. ચીનની ચોરી પકડાતાં વૈશ્વિક સપ્લાય ચેન ભારત તરફ વળવાની આશા છે.
2017માં ચીનનો ક્રમાંક ઊંચો લાવવા માટે વિશ્વ બૅન્કના કેટલાક અધિકારીઓના દબાણથી આંકડાઓમાં ગરબડ થઈ હોવાનું તપાસમાં જણાયું હતું.
`બૅન્ક દ્વારા આજે પ્રસિદ્ધ કરાયેલો અહેવાલ તથા અગાઉની સમીક્ષાઓ અને ઓડિટનાં તારણો સહિત ઈફ ઓફ ડુઈંગ બિઝનેસ વિશે આજની તારીખ સુધીની તમામ ઉપલબ્ધ માહિતીની સમીક્ષા કર્યા બાદ વર્લ્ડ બૅન્કની મૅનેજમેન્ટે આ રિપોર્ટ બનાવવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે,' એમ વિશ્વ બૅન્કે એક નિવેદનમાં જણાવ્યું છે.
વર્લ્ડ બૅન્કના નિર્ણય વિશે ટિપ્પણી કરતાં વાણિજ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે ભારતના આંકડા કે અન્ય વિગતોમાં કોઈ ગેરરીતિ કે વિસંગતિ જણાઈ નથી. `ભારતે વિશ્વમાં ભરોસો કરવા જેવું વિશ્વાસપાત્ર રોકાણસ્થાનનો દરજ્જો જાળવી રાખ્યો છે, જ્યારે ચીનનું આકર્ષણ ઓસરતું જાય છે. ચીન દ્વારા આચરાયેલી છેતરપિંડીને પગલે વિશ્વમાં બહુપક્ષીય પહેલને ઉત્તેજન મળશે. દાખલા તરીકે ઘણા દેશો તેમની મેન્યુફેકચરિંગની પ્રવૃત્તિ ચીનમાંથી ભારતમાં ખસેડી રહ્યા છે,' એમ તે અધિકારીએ કહ્યું હતું.
ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં ઉત્પાદન અને પુરવઠાની સાંકળ પર ચીનનું વર્ચસ્વ ઓછું કરવા માટે ભારત, અૉસ્ટ્રેલિયા અને જપાને તાજેતરમાં સત્તાવાર રીતે સપ્લાય ચેન રેસિલિયન્સ ઈનિશિયેટિવની રચના કરી છે.
વર્લ્ડ બૅન્કના અહેવાલો તાજેતરનાં વર્ષોમાં વિવાદાસ્પદ બન્યા છે. તેના વડા અર્થશાસ્ત્રી પોલ રોમરે 2018માં રાજીનામું આપ્યું હતું. તેનું કહેવું હતું કે અહેવાલ તૈયાર કરાવવાની પદ્ધતિમાં ફેરફાર કરાવાથી સમાજવાદી દેશ ચિલીનો ક્રમાંક નીચે ગયો હતો. રોમર પાછલાં ચાર વર્ષના અહેવાલોની પુન: સમીક્ષા કરીને ક્રમાંકોની પુનર્ગોઠવણ કરવા માગતા હતા.
વર્લ્ડ બૅન્કે રોકેલી વિલ્મરહેલ નામની અમેરિકન કાનૂની પેઢીએ 80,000 દસ્તાવેજો અને વિસ્તૃત મુલાકાતોના આધારે 2018 અને 2019ના ઈઝ અૉફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટો વિશે પોતાનો અહેવાલ તૈયાર કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે 2017માં (જ્યારે ચીને વૈશ્વિક બજારમાંથી પુષ્કળ મૂડી એકત્ર કરી હતી) ચીને વિશ્વ બૅન્કનો ટોચના અધિકારીઓ પરના પ્રભાવનો ઉપયોગ કરીને પોતાનો ક્રમાંક નીચે જતો અટકાવ્યો હતો. તે વગર તેનો ક્રમાંક 78થી નીચે ઉતરીને 85 થઈ જાત. વિશ્વ બૅન્કના તત્કાલીન પ્રમુખ જિમ યોંગ કિમ અને સીઈઓ ક્રિસ્ટાલીના જ્યોર્જિવાની સૂચનાથી સંબંધિત ટીમને ચીનના આંકડાનું પુનર્મૂલ્યાંકન કરીને તેનો ક્રમાંક 78 ઉપર જાળવી રાખવાનો આદેશ અપાયો હતો.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer