લોકોમાં રોગપ્રતિકાર શક્તિનું પ્રમાણ 86.64 ટકા

મુંબઈમાં પાંચમો સેરો સર્વે સકારાત્મક
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 17 : મુંબઈ શહેરમાં આઠ ઓગસ્ટ અને નવ સપ્ટેમ્બર વચ્ચે 8000થી વધુ લોકો પર કોરોનાને લગતો પાંચમો સેરો સર્વે કરવામાં આવ્યો હતો અને એમાં એવું જાણવા મળ્યું હતું કે 86.64 ટકા લોકોમાં હવે કોરોના સામેની રોગ પ્રતિકાર શક્તિ પેદા થઈ ગઈ છે. આ આઠ હજારથી વધુ લોકો એવા હતા જેમને કોરોના થયો હતો, પણ તેમને ખબર પડી નહોતી. 
જે આઠ હજારથી વધુ લોકોનો અભ્યાસ કરાયો હતો એમાંથી અંદાજે 65 ટકા લોકોએ રસીના બે ડૉઝ લીધા હતા અને એમાંથી 90.26 ટકા લોકોમાં રોગ પ્રતિકાર શક્તિ પેદા થઈ હતી. બાકીના રસી ન લેનાર 35 ટકામાંથી 79.86 ટકા લોકોમાં રોગ પ્રતિકાર શક્તિ પેદા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. 
પહેલાના સેરો સર્વેમાં ઝૂંપડપટ્ટી અને બિન-ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ચેપની વ્યાપક્તામાં ખાસ્સો તફાવત જોવા મળેલો. જોકે પાંચમા સર્વેમાં આ તફાવતનું પ્રમાણ નગણ્ય જોવા મળ્યું છે. આ વખતે ઝૂંપડપટ્ટીમાં રોગપ્રતિકાર શક્તિનું પ્રમાણ 87.02 ટકા અને બિન-ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં પ્રમાણ 86.22 ટકા જોવા મળ્યું હતું. લિંગ પ્રમાણે પણ ખાસ તફાવત આ વખતે જોવા મળ્યો ન હતો. મહિલાઓમાં એન્ટિબોડીનું પ્રમાણ 88.29 ટકા તો પુરુષોમાં 85.07 ટકા જોવા મળ્યું હતું. 
જોકે પાલિકાએ કહ્યું 
હતું કે આ સેરો સર્વે ઈમ્યુનોગ્લોબ્યુલીન-જી એન્ટિબોડીનું પ્રમાણ સૂચવતું ન હોવાથી લોકોએ હજી કોરોના વિશેના નિયમો ચુસ્તપણે પાળવાની જરૂર છે. ચેપ કે 
રસી બાદ જે તે વ્યક્તિમાં ઈમ્યુનોગ્લોબ્યુલીન-જી એન્ટિબોડીનું નિર્માણ થતાં વાર લાગતી હોય છે. 
પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું કે અમે લેટેસ્ટ સેરો સર્વેથી ખુશ થઈને સાવચેતીનાં પગલાં લેવાનું બંધ કરવાના નથી. લોકો કોરોનાના નિયમો નહીં પાળે તો તેમને હજી પણ કોરોના લાગુ પડી શકે છે. કદાચ કોરોનાના લક્ષણો તેમનામાં હળવા હોઈ શકે છે. માસ્ક પહેરવાનું, હાથ સાફ કરવાનું અને દો ગજની દૂરીના નિયમો તો લોકોએ પાળવા જ પડશે. 
કૉંગ્રેસના વિધાનસભ્ય અમિન પટેલે કહ્યું હતું કે લોકો હવે રસી લેતાં સહેજે ખંચકાતા નથી એટલે લોકોમાં રોગ પ્રતિકાર શક્તિનું પ્રમાણ વધુ આવ્યું છે. જે વિસ્તારોમાં વસ્તીની ઘનતા વધુ છે ત્યાં પણ આજે ઓછા કેસ મળે છે અને જે કેસ મળે છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર પડતી નથી. 
ભાજપના વિધાનસભ્ય યોગેશ સાગરે કહ્યું હતું કે આઠ હજારની સેમ્પલ સાઈઝ બહુ નાની કહેવાય. આપણા શહેરની વસ્તી એક કરોડથી વધુની છે અટલે માત્ર આઠ હજાર લોકો પરનો અભ્યાસ ઉચિત ન કહેવાય. સેમ્પલ સાઈઝ મોટી હોવી જોઈએ. જોકે એક વાત તો પાકી છે કે મુંબઈના લોકો હવે ત્રીજી લહેરનો સામનો કરવા હવે સંપૂર્ણ રીતે તૈયાર છે અને રસી લેવા માટે પણ.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer