ડ્રેગનની દાદાગીરી : વિશ્વ બૅન્કના કારોબારી સુગમતામાં રેન્કિંગ સુધારવાના અહેવાલમાં હેરફેર

નવી દિલ્હી, તા. 17 : વિશ્વબેંકના `ડુઇંગ બિઝનેસ' અહેવાલની વિશ્વસનીયતા સામે સવાલો સર્જાયા છે. ચીનના દબાણથી ડરેલી વર્લ્ડબેંકે 2018ના રિપોર્ટમાં હેરફેર કરી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. વિશ્વબેંક દ્વારા કારોબારી સુગમતા પરના અહેવાલમાં કરાયેલી અનિયમિતતા પર વિવાદ વકરતો ગયો છે.
હવે તેમાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઇએમએફ)ના એમ.ડી. ક્રિસ્ટલીના જોર્જીવાનું નામ પણ સામે આવ્યું છે.
વર્લ્ડબેંકમાં રહેવા દરમ્યાન જોર્જીવાએ ચીન નારાજ ન થાય તે માટે કર્મચારીઓ પર રિપોર્ટમાં બદલાવનું દબાણ કર્યું હતું એવું એક અહેવાલ નોંધે છે. અહેવાલમાં કારોબારી સુગમતાના મોરચે ચીનનું રેન્કિંગ ઊંચું બતાવવા માટે દબાણ કરાયું હતું.
અગાઉ, ગઇકાલે ગુરુવારે વિશ્વબેંકે કારોબારમાં સુગમતા પરનો અહેવાલ સ્થગિત કરવાનું એલાન કર્યું હતું. આ અંગે વિશ્વબેંકે જણાવ્યું હતું કે, અહેવાલમાં આંકડા સાથે છેડછાડની વાત સામે આવતાં હાલતુરત રદ કરાયો છે.

Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer