આબોહવા પરિવર્તનની ગંભીરતાને પારખનારા નરેન્દ્ર મોદી પ્રથમ મુખ્ય પ્રધાન

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ક્લાઇમેટ ચેન્જ (આબોહવા પરિવર્તન)ની ગંભીરતા પારખનારા નરેન્દ્ર મોદી પ્રથમ મુખ્ય પ્રધાન હતા અને તેમણે ગુજરાતમાં આ માટે અલગ મંત્રાલય ઊભું કર્યું હતું.
શાહે એમ પણ જણાવ્યું હતું કે દેશની આંતરિક સુરક્ષાની કલ્પના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) વિના થઈ શકે નહીં અને આ દળના 2000થી વધુ જવાનોએ દેશ માટે તેમની જિંદગીઓનું બલિદાન આપ્યું છે.
તેઓ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં મુદખેડ ખાતે સીઆરપીએફ ટ્રેઇનિંગ ગ્રાઉન્ડ ખાતે રોપાં વાવતાં બોલી રહ્યા હતા. દેશમાં એક કરોડ રોપાં બાવવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં આનાથી મદદ મળશે.
`જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે સૌપ્રથમ તેમણે ક્લાઇમેટ ચેન્જની ગંભીરતાને ઓળખી હતી અને તેના વ્યવસ્થાપન માટેની ખાતરી આપી હતી. ઘણા મુખ્ય પ્રધાનો માર્ગો બાંધવા, શૈક્ષણિક સગવડો અને પાણીની સ્કીમો તરફ ધ્યાન આપતા હોય છે, પરંતુ મોદીએ ક્લાઇમેટ ચેન્જ તરફ અને રોપાં વાવવા તરફ ધ્યાન આપ્યું હતું' એમ અમિત શાહે વધુમાં જણાવ્યું હતું. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જને આપણા દુશ્મનો ગણાવતાં શાહે જણાવ્યું હતું કે આપણે પર્યાવરણ અને કુદરતી સાધનોનું રક્ષણ કરવું પડશે.
તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા માટે સીઆરપીએફના 2000થી વધુ જવાનોએ બલિદાન આપ્યા છે.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer