ગિરગામની સૂચિત વ્યુઇંગ ડેક સામે એક્ટિવિસ્ટે વિરોધ નોંધાવ્યો

સીઆરઝેડ નિયમોનો ભંગ થતો હોવાનું જણાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : પાલિકાની ગિરગામ ખાતેની સૂચિત વ્યુઇંગ ડેક (દર્શન છત) કે જેનું કામ 15 દિવસ પહેલાં શરૂ થઈ ગયું છે તે મુશ્કેલીમાં મુકાઈ છે.
એક્ટિવિસ્ટ ઝોરુ ભાથેનાએ ગુરુવારે પાલિકાને લેખિત ફરિયાદ કરી હતી અને તેની સાથે દરિયા કિનારે ફેંકાયેલા કાટમાળની, જમીન અને ખડકની તસવીરો મોકલી હતી.
ભાથેનાએ એવો ઇશારો કર્યો હતો કે આવી જાતનું રેક્લેમેશન સીઆરઝેડ-1 વિસ્તારમાં કરી શકાતું નથી અને એસેસ પ્લેટફોર્મને પણ સ્ટીલ્ટસ પર બાંધવાની જરૂર છે. જોકે બીએમસીએ જણાવ્યું હતું કે આ ડમ્પિંગ (કાટમાળ ફેંકવાની પ્રવૃત્તિ) કામચલાઉ છે અને જ્યાં આ ડમ્પિંગ કરાઈ રહ્યું છે ત્યાં પહેલાં પણ રેતી નહોતી. પાલિકાના પ્લેટફોર્મ કમ વ્યુઇંગ ગૅલરીની યોજના ડ્રેઇન પાઇપ અને સ્ટીલ્ટસ પર કરવાની છે, પરંતુ રેતાળ કિનારા પર આ કામ કરવામાં આવી રહ્યું છે અને તે પણ અંતરાળ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. સુધરાઈએ સ્ટીલ્ટસ પર એસેસ પ્લેટફોર્મ બાંધવો જોઇતો હતો. અન્ય પ્રોજેક્ટો માટે પણ આમ કરવામાં આવ્યું છે તે બતાવતી તસવીરો મેં મારી ફરિયાદમાં જોડી છે, એમ ભાથેનાએ જણાવ્યું હતું.
તેણે વધુમાં જણાવ્યું હતું કે સીઆરઝેડ-1 વિસ્તાર ભરતી અને ઓટની વચ્ચે આવેલો છે અને તેના કેટલાક ભાગમાં રેતી પણ છે અને તે હજી પણ સીઆરઝેડ-1 વિસ્તારમાં જ આવે છે.
પાલિકાના `ડી' વૉર્ડના સહાયક આયુક્ત પ્રશાંત ગાયકવાડે જોકે જણાવ્યું હતું કે રેતી ધરાવતા કિનારાનો વિસ્તાર જેમનોતેમ છે અને જ્યાં રેતી નથી ત્યાં જમીન પૂરવામાં આવી છે.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer