આઠ હાઈ કોર્ટમાં ચીફ જસ્ટિસની નિયુક્તિ તથા બદલીને મંજૂરી

નવી દિલ્હી, તા.17 : સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ઐતિહાસિક પગલામાં દેશમાં એક સાથે 8 હાઈકોર્ટના ચીફ જસ્ટિસની નિયુક્તિને મંજૂરી આપી છે. ઉપરાંત હાઈકોર્ટના બે ડઝન જેટલા જજોની બદલીને પણ સ્વીકૃતિ આપી હતી.
દેશમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોલેજિયમે એક સાથે હાઈકોર્ટના આટલા ચીફ જસ્ટિસની નિયુક્તિને મંજૂરી આપી છે. ચીફ જસ્ટિસ એન.વી.રમનાની આગેવાનીમાં ત્રણ જજોના કોલેજિયમે હાઈકોર્ટોમાં ચીફ જસ્ટિસોની નવી નિયુક્તિ સાથે વિવિધ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોની બદલી કરી હતી. જજોની નિયુક્તિ અને બદલીનો નિર્ણય એક મેરેથોન મીટિંગ બાદ લેવાયો હતો. કોલકત્તા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રાજેશ બિંદલની બદલી ઈલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે કરાઈ હતી. ત્રિપુરાના ચીફ જસ્ટિસ અકિલ કુરૈશીની બદલી રાજસ્થાન હાઈકોર્ટમાં કરાઈ છે. ઉપરાંત ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મેઘાલય અને મધ્યપ્રદેશ હાઈકોર્ટને નવા ચીફ જસ્ટિસ મળશે.
ઉલ્લેખનીય છે કે દેશની અનેક હાઈકોર્ટોમાં જજોની જગ્યાઓ ખાલી છે. ઈલાહાબાદ હાઈકોર્ટમાં મંજૂર 160 જજ સામે હાલ માત્ર 93 જજોથી કામ ચલાવાઈ રહ્યું છે. આ પહેલા સુપ્રીમ કોર્ટમાં એક સાથે 9 જજોની નિયુક્તિ કરવામાં આવી હતી.

Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer