એફઆઈઆર રદ કરવા નારાયણ રાણે અલગ અલગ અરજી કરે : હાઈ કોર્ટ

એફઆઈઆર રદ કરવા નારાયણ રાણે અલગ અલગ અરજી કરે : હાઈ કોર્ટ
મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : મુંબઈ હાઈ કોર્ટે નારાયણ રાણેને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સામે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી માટે રાજ્યનાં છ પોલીસ સ્ટેશનો ખાતે તેમની સામે નોંધવામાં આવેલી એફઆઈઆર રદ કરવા એક નહીં પરંતુ અલગ અલગ અરજીઓ કરવાનો આદેશ આપ્યો હતો.
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ તેમની સામે મહાડ, નાશિક, પુણે, થાણે, જળગાંવ અને અહમદનગર ખાતે કરવામાં આવેલા કેસ રદ કરવા અરજી કરી હતી.શુક્રવારે ન્યાયાધીશો એસ.એસ. શિંદે અને એન.જે. જમાદારની બનેલી ડિવિઝન બેન્ચ સમક્ષ તેમની અરજી સુનાવણી માટે આવી ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે પ્રત્યેક એફઆઈઆર માટે અલગ અલગ અરજી કરવામાં આવે તો સારું પડશે.
`એફઆઈઆર અલગ અલગ પોલીસ સ્ટેશનો ખાતે નોંધવામાં આવી છે એટલે જો તેને પડકારતી અરજી પણ અલગ અલગ કરવામાં આવે તો પ્રત્યેક પોલીસ સ્ટેશન ખાતેથી ફરિયાદ પક્ષને સૂચનો લેવાનું સરળ પડશે' એમ કોર્ટે જણાવ્યું હતું.
રાણેના વકીલ અશોક મુંદરગી અને એડવૉકેટ અનિકેત નિકમ સંમત થયા હતા અને જણાવ્યું હતું કે તેઓ અલગ અલગ અરજીઓ દાખલ કરશે. તેમણે તમામ કેસોમાં વચગાળાના સંરક્ષણની માગણી પણ કરી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે તે પહેલાં તો અરજીઓની સુનાવણી કરશે અને ત્યારબાદ નિર્ણય લેશે.
કોર્ટે વધુ સુનાવણી માટે 30 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી હતી.
અતિરિક્ત પબ્લિક પ્રોસીક્યુટર જયેશ યાજ્ઞિકે સરકારી પક્ષ વતી હાજર થતાં કહ્યું હતું કે રાણેએ નાશિક પોલીસ દ્વારા ચાલતી તપાસમાં સહકાર આપવાની ખાતરી આપી છે અને પોતાની જુબાની આપવા તેઓ પચીસ સપ્ટેમ્બરના કોર્ટમાં હાજર થશે. એડવૉકેટ મુંદરગીએ જણાવ્યું હતું કે રાણે સહકાર આપશે અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થશે.
રાણેએ ઉદ્ધવ ઠાકરેને તેમની સ્વતંત્રતા દિવસના વર્ષની અજ્ઞાનતા બદલ થપ્પડ મારવાની વાત કરીને ભારે રાજકીય વિવાદ ઊભો કર્યો હતો.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer