પશ્ચિમ રેલવેએ થ્રુ ટ્રેનોમાં પાસ શરૂ કર્યા તો સેન્ટ્રલ રેલવેએ કેમ નહીં?

પશ્ચિમ રેલવેએ થ્રુ ટ્રેનોમાં પાસ શરૂ કર્યા તો સેન્ટ્રલ રેલવેએ કેમ નહીં?
ભેદભાવથી રેલવે પ્રવાસીઓ નારાજ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 17 : એક દિવસ માટે પણ લોકલ ટ્રેનનો પ્રવાસ કરવો હોય તો માસિક પાસ કઢાવવાની અને રોજના એક્પ્રેસ ટ્રેનના પ્રવાસ માટે ટિકિટ કઢાવવાના રેલવેના નિયમને પ્રવાસીઓ કંટાળી ગયા છે. મુંબઈ-પુણે, મુંબઈ-નાશિક વચ્ચે રોજ આવ-જાવ કરતા હજારો પ્રવાસીઓને દરરોજ ટિકિટ કઢાવવી પડતી હોવાથી તેમનામાં ભારે નારાજગી ફેલાઈ છે. 
નોન-સબર્બન એટલે કે લોકલ સિવાયની ટ્રેનોમાં પ્રવાસ કરવા માટે 15મી સપ્ટેમ્બરથી માસિક પાસ આપવાનું શરૂ કરાયું છે. મુંબઈ સેન્ટ્રલ સહિત અમદાવાદ, ભાવનગર, વડોદરા, રાજકોટ, રતલામ વિભાગમાં દોડનારી વિશેષ પેસેન્જર, મેમુ અને ડેમુ ટ્રેનોના પ્રવાસીઓને આ પાસ આપવામાં આવી રહ્યા છે. 
મધ્ય રેલવેમાં ઉપનગરીય ટ્રેનો સિવાય એકેય વિભાગમાં માસિક પાસ ઈસ્યુ કરાતાં નથી. પશ્ચિમ રેલવે વિભાગમાં પાસ અપાય છે તો સેન્ટ્રલ રેલવે વિભાગમાં કેમ નહીં અને આવો ભેદભાવ શું કામ એવો પ્રશ્ન પ્રવાસીઓ કરી રહ્યા છે. 
પંચવટી, સિંહગઢ, ડેક્કન, ડેક્કન ક્વીન અને કોયના જેવી એક્પ્રેસ ટ્રેનોમાં મુંબઈ નાશિક અને મુંબઈ-પુણે વચ્ચે અપ-ડાઉન કરનારા પ્રવાસીઓનો મોટો વર્ગ છે. ગોદાવરી, પ્રગતિ જેવી એક્પ્રેસ ટ્રેનોના પ્રવાસીઓ પણ પાસની માગણી કરી રહ્યા છે. ગુજરાતની લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસીઓને જો પાસ મળતો હોય તો મહારાષ્ટ્રના પ્રવાસીઓને રોજ ટિકિટ કાઢવાની પળોજણ કેમ આપી છે એવી પ્રવાસીઓમાં જોરદાર ચર્ચા છે. 
પશ્ચિમ રેલવે દ્વારા ગત 15મી સપ્ટેમ્બરથી મુંબઈ સેન્ટ્રલ, અમદાવાદ, ભાવનગર, વડોદરા, રતલામ અને રાજકોટ સ્ટેશનો માટે દોડતી વિશેષ પેસેન્જર, મેમુ અને ડેમુ ટ્રેનોના પ્રવાસીઓને પાસ આપવામાં આવે છે જ્યારે મધ્ય રેલવે દ્વારા આ પ્રકારે પાસ આપવામાં આવતા નથી.
રેલવે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાના ઉપદ્રવને કારણે મહારાષ્ટ્ર સરકારની ભલામણ અનુસાર રેલવેતંત્ર કામ કરે છે. મહારાષ્ટ્ર સરકાર કોરોનાની ત્રીજી લહેરના જોખમને કારણે વધુ સતર્ક હોવાથી આમ કરવામાં આવી રહ્યું હોવાનું મનાય છે.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer