બીકેસીમાં ગર્ડર પડતાં 14 કામદારોને ઇજા; એમએમઆરડીએ દ્વારા તપાસનો આદેશ

બીકેસીમાં ગર્ડર પડતાં 14 કામદારોને ઇજા; એમએમઆરડીએ દ્વારા તપાસનો આદેશ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેકસમાં એમટીએનએલ જંકશન પાસે બ્રિજનો મોટો ભાગ (ગર્ડર) શુક્રવારે વહેલી સવારે 4.40 વાગ્યે તૂટી ગયો હતો. આ દુર્ઘટનામાં કુલ 14 જણને ઇજા થઇ છે અને મોટા ભાગના ત્યાં કામ કરતા મજૂરોનો સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને વી. એન. દેસાઇ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ એમએમઆરડીએનો પ્રકલ્પ હતો. આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ નોંધાઇ નહોતી. આ દુર્ઘટનાની તપાસના આદેશ આપી દેવાયા હોવાનું ઝોન 8ના ડીસીપીએ જણાવ્યું હતું. પોલીસ અનુસાર આ દુર્ઘટનાના સમયે બ્રિજ પર 24 જણ કામ કરી રહ્યા હતા. જેમાં 21 મજૂર, બે એન્જિનિયર અને એક સુપરવાઇઝરનો સમાવેશ થાય છે. દુર્ઘટના બની ત્યારે 14 મજૂરોએ બ્રિજની બાજુના નાળામાં છલાંગ લગાવી હતી અને ઉંચાઇ પરથી પડી જવાને કારણે દરેક જણને ઇજા થઇ હતી. 10 મજૂરો બ્રિજ પર મૂકેલા લોખંડના સળિયાને લટકી રહ્યા હતા. ઘટનાની જાણકારી મળતાં પોલીસ અને અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. 14 મજૂરોને નાળામાંથી કાઢીને હોસ્પિટલ 
લઇ જવાયા હતા. એમએમઆરડીએના મેટ્રો પોલિટન કમિશનર એસ. વી. આર. શ્રીનિવાસને જણાવ્યું હતું કે લટકતો ગર્ડર સરકીને નીચે પડયો હતો. અમે બાંધકામ સામગ્રીની ગુણવત્તા અંગે આકરા માપદંડ ધરાવીએ છીએ. આ પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરીને સંબંધિતો વિરુદ્ધ પગલાં ભરાશે.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer